વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૧
ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે આશરે ૪૦ લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી અને આ જ સિલસિલો પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ દ્વારા ચાલી રહ્યો છે, તેનાં દ્વારા અત્યાર સુધી ૨૦ લાખથી વધારે વ્યક્તિઓએ વ્યસન છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોનાં બાળકો શહેરના અલગ અલગ ફેક્ટરીઓ જેવી કે નિરમા લિમિટેડ, ચિત્રા વિસ્તારની અલગ અલગ ફેક્ટરીઓ, એસ ટી બસ સ્ટેન્ડ, વિવિધ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, મામસાની અલગ અલગ ફેક્ટરીઓ,રેલવે સ્ટેશન,વગેરેમાં જઈને ત્યાંના નાના કામદારોથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને, દર્દીઓ ને વ્યસનથી થતાં શરીરનાં નુકશાન દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી, આ દુષણથી મુક્ત કરવાં માટે નિયમ ગ્રહણ કરાવીને તેનાં જીવનનું ભલું કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.
તો બીજી તરફ નાની નાની બાલિકાઓએ પણ શહેરની અલગ અલગ ૧૦ કરતાં વધારે હોસ્પિટલોમાં જઈને આશરે ૩૫૦ કરતા પણ વધારે દર્દીઓ તેઓ જલ્દી સારા થઇ જાય અને તેમનું અને તેમના પરિવાર નું જીવન આરોગ્યપ્રદ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી.
આ રીતે બાળકો અને બાલિકાઓની નિસ્વાર્થ ભાવે થતી સેવા જોઈને સામેના વ્યક્તિઓ વ્યસન છોડીને પોતાના અને પોતાના પરિવારને એક સુંદર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા લે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના ગુરુ મહંત સ્વામિ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.ભાવનગરનાં આશરે ૩૫૦ કરતાં વધારે બાળકો અને બાલિકાએ અંદાજે ૧૨૫૦ કરતાં પણ વધારે લોકોને આ બીડી, સિગારેટ, તમાકુ વગેરે અનેક પ્રકારના વ્યસનોનાં દુષણથી મુક્ત કરીને નિર્વ્યસની બનીને તેનાં પરિવારનાં જીવનને ઉચ્ચ કક્ષાએ લઇ જવાની એક ઉમદા પ્રેરણા આપી રહ્યા છે. લગભગ ૬૦ જેટલાં કાર્યકરોની સાથે આ બાળકોની સુંદર અને નિસ્વાર્થભાવની સેવા દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતી તારીખ ૨ થી ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે ઉપક્રમે ‘ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ ‘ યોજવા જઈ રહ્યો છે તે માટે નાના મોટા તમામ સત્સંગી બાળકો, બાઈ, ભાઈ દ્વારા અનોખો સેવા અને તપનાં નિયમો ગ્રહણ કરવામાં આવ્યા છે.


