Thursday August 07, 2025

ભાણવડના રાણપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તેમજ સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણપર ગામે વિદેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો.

      આ પ્રકરણમાં રૂપિયા 46,800 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 72 બોટલ વિદેશી દારૂ તેમજ રૂપિયા 20,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 66,800 ના મુદ્દામાલ સાથે રાણપર ગામે રહેતા કરસન પાંચા કોડીયાતર અને બાવન માંડા કોડીયાતર તેમજ ખંભાળિયામાં સતવારા સમાજની વાડીની બાજુમાં લાલપુર રોડ ઉપર રહેતા રવિ અશોકભાઈ ધેડીયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

       આ પ્રકરણમાં રૂપામોરા વિસ્તારમાં રહેતા બબા કરસન અને રાણપર ગામના ભોજા જેસા કોડીયાતર અને કાના જેસા કોડીયાતરના નામ પણ ખુલવા પામ્યા છે.

        આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 66,800 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી, અન્ય ત્રણને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુ તપાસ પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા ચલાવી રહ્યા છે.

        આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા તેમજ સ્ટાફના શક્તિરાજસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, ભાવિનભાઈ સચદેવ અને ગોવિંદભાઈ ડુવા દ્વારા કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top