Headlines

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા કાર્યો સંપન્ન

– પોષણ કીટ વિતરણ, નિદાન અને રક્તદાન કેમ્પનો ત્રિવેણી સંગમ –

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬ 

     ભાણવડના સંકલ્પ ગ્રુપ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રિવિધ સેવા સંકલ્પ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

     વેરાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડના સંકલ્પ ગ્રુપ ભાણવડ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાના સ્વ. માતુશ્રી અમરીબેન હરદાસભાઈ બેરાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ‘ત્રિવેણી સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ત્રણ મુખ્ય સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં રક્તદાન કેમ્પમાં કુલ 40 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે આયુર્વેદિક નિદાન કેમ્પમાં સ્વાસ્થ્ય પરીક્ષણ માટે નિઃશુલ્ક નિદાનમાં 110 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત પોષણ કીટ વિતરણમાં અતિ જોખમી સગર્ભા બહેનોને જરૂરી પોષણક્ષમ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં ધારાસભ્ય યુવા અગ્રણી હર્ષદભાઈ બેરા તથા સંદીપભાઈ બેરા સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પૂનમબેન, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ, સંકલ્પ ગ્રુપના ભીમભાઈ કોડિયાતર, વિશાલભાઈ કનેરિયા, નિલેશભાઈ રાઠોડ અને હસમુખભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

        આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *