Headlines

ભાવનગરમાં ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી ઊંચા વળતરની લાલચ આપી રૂ. 4.20 કરોડની છેતરપિંડી કરનાર વિવેક નાથાણી રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૨૩

ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક ૭ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪.૨૦ કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવનાર ટોળકીના એક સાગરીતને રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હજુ ચાલુ છે.

​ઘટનાની વિગત મુજબ, શહેરના નિલમબાગ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશભાઈ અશોકભાઈ ભટ્ટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપી વિવેક મિલનભાઈ નાથાણી (રહે. અક્ષરધામ, કાળિયાબીડ) અને પ્રતિક રમેશભાઈ ગજ્જર (રહે. તળાજા જકાતનાકા પાસે) એ ભેગા મળીને રોકાણકારોને લોભામણી જાહેરાતો દ્વારા વિશ્વાસમાં લીધા હતા. શરૂઆતમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે તેઓએ રોકેલા નાણાં પર સમયસર વળતર આપ્યું હતું, જેના કારણે વધુને વધુ લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.તપાસમાં બહાર આવ્યું છે કે, તા. ૩-૧૨-૨૦૨૧ થી જાન્યુઆરી-૨૦૨૪ સુધીના ગાળામાં આશરે ૪૧ જેટલા રોકાણકારો પાસેથી કુલ રૂ. ૪,૨૦,૩૧,૦૭૩ જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ નક્કી કરેલા સમયગાળે રોકાણકારોને વળતર કે મુદ્દલ રકમ પરત કરવામાં આવી ન હતી અને આરોપીઓ ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા ભોગ બનનાર લોકોએ સીઆઈડી ક્રાઈમનો સંપર્ક સાધ્યો હતો.

​આ મામલે રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) તથા ‘ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ-૨૦૦૩’ અને ‘ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ એક્ટ’ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પૈકીના વિવેક નાથાણીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે, જ્યારે તેનો ભાગીદાર પ્રતિક ગજ્જર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *