વિપુલ હીરાણી, ભાવનગર
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા 90મી શિવ જયંતીના પાવન અવસરે ભવ્ય ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં પાંચ ‘A’ ઉતારવાની પ્રતિજ્ઞા કાર્યક્રમના પ્રારંભમાં બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનો પ્રકાશભાઈ ઘામેચા, અશોકભાઈ નાણાવટી અને આનંદભાઈ ત્રિવેદી સહિત તમામ ભાઈ-બહેનોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજયોગ ટીચર બ્રહ્માકુમારી ક્રિષ્નાબેન દ્વારા શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તેમણે પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, “જ્યારે જ્ઞાન સૂર્ય પ્રગટે છે ત્યારે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે.” આ તકે ઉપસ્થિત સૌને જીવનમાં સફળ થવા માટે પાંચ મહામંત્રની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી: Alert (સાવધ) Accurate (ચોકસાઈયુક્ત) Active (સક્રિય) Ever-ready (સદાય તત્પર) All-rounder (સર્વગ્રાહી) પરમ સત્યનો સંદેશ શિવ જયંતી નિમિત્તે ‘પરમ પિતા પરમાત્મા શિવ’ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે “ભારતમાં શિવ ભગવાન આવ્યા છે, જાગો અને સમયને ઓળખો” એવા પરમ સત્યના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવણભાઈ ગોહેલ, મૌલિક જોષી, કપિલ જોષી, પોપટભાઈ બુશા, કિરીટભાઈ પટેલ સહિતના બ્રહ્મા વત્સોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સૌએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શિવ અવતરણના આ પર્વને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો.
