Headlines

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ

ભાવનગર (વિપુલ હિરાણી):

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન તા. ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સંપન્ન થશે.

કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા તેમજ ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલા સત્સંગ સભા મંડપના ઉદ્ઘાટન પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીના વરદ્ હસ્તે સંપન્ન થશે, જેમાં મંત્રી કૌશિક વેકરિયા પણ જોડાશે.

સત્સંગીજીવન કથા અને મહોત્સવની વિગતો

મંદિરના સાધુ સત્સંગસાગર દાસજી અને ટ્રસ્ટી લાભુભાઈ કાત્રોડીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહોત્સવ દરમિયાન તા. ૪ થી ૧૨ માર્ચ સુધી પૂજ્ય સદ્દગુરુ સ્વામી નિત્યસ્વરૂપ સ્વામીના મુખેથી ‘સત્સંગીજીવન’ કથાનું રસપાન કરાવવામાં આવશે.

નિઃશુલ્ક કન્યા છાત્રાલયની સુવિધા

ચિત્રા ખાતેના આ નૂતન મહિલા મંદિરમાં સાંખ્યયોગી બહેનો ભગવાનની સેવા-પૂજા અને સત્સંગ કરશે. ખાસ કરીને કોલેજ કરતી વિદ્યાર્થીનીઓ માટે સંસ્કારો સાથે રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા ધરાવતી હોસ્ટેલનું સંચાલન પણ સાંખ્યયોગી બહેનો દ્વારા જ કરવામાં આવશે.

​આ યાદગાર મહોત્સવમાં હજારો હરિભક્તો ઉમટી પડશે. બહારથી આવતા મહેમાનો માટે રહેવા તેમજ કથા દરમિયાન દૈનિક સાંજના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા મંદિર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *