ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી
વિપુલ હિરાણી
ભાવનગર
મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજજ થઈ અને મસ્જીદો તેમજ ઈદગાહમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ એકબીજાએ તમામ દુશ્મનાવટો, મતભેદો ભુલી પ્રેમભાવ સાથે એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી.
આજ રીતે ભાવનગર જીલ્લા જેલના તમામ મુસ્લીમ કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે જમાત સાથે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે ભાવનગરની સુન્ની દાવતે ઈસ્લામના મુબ્બલીગ અખતરહુસેન એન્જીનીયરે કેદી ભાઈઓને રમઝાન ઈદનું મહત્વ સમજાવી ઈદની નમાઝ પઢાવી સલાતો સલામ પઢી સામુહિક દુઆઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ નગરસેવક શબ્બીરભાઈ ખલાણી, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, સોહિલભાઈ સીદી (મુબ્લીગ) ઉવેશ ખલાણી, ઈન્ચાર્જ જેલ અધિક્ષક આર. ટી. સોલંકી, જેલર જયદેવસિંહ જી. ગોહિલ, જેલર બી. કે. મેર સહિતના ખાસ ઉપસ્થિત રહયા હતા અને એકબીજાને ઈદની મુબારકબાદી પણ પાઠવી હતી.
ઈદની નમાઝ બાદ તમામ મુસ્લીમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈ પોતાના સગા-સંબંધી મર્હુમોની કબર ઉપર જઈ કુલ ચઢાવી ફાતિહા પઢી મર્હુમના હકકમાં દુવાઓ કરવામાં આવી હતી. તેમજ તમામ મસ્જીદોમાં પણ ઈદની નમાઝ બાદ મુસ્લીમ બિરાદરોએ દેશ અને દુનિયામાં શાંતિ, અમન, સુખ, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તેવી ખાસ દુવાઓ પણ કરવામાં આવી હતી. તેમજ સર્વો લોકોએ પોતાની અનુકુળતા મુજબ ‘શીરખુરમા’ અને મિષ્ટાન સહિતનાં વિવિધ પકવાનો સાથે ઈદની ખુશીઓને વધાવી હતી તેમજ પોતાના સગા-સંબંધીઓને ત્યાં શીરખુરમા અને મિષ્ટાનની આપ-લે કરી હતી.
આ ઉપરાંત અમીર અને આર્થિક રીતે સધ્ધર મુસ્લીમ બિરાદરોએ અન્ય ગરીબ, લાચાર, મોતાજ, મીસ્કીન, વિધવા બહેનો તેમજ જરુરીયાતમંદ લોકોને સદકા, જકાત, ખૈરાત અને લીલ્લાહ રકમ આપી આર્થિક મદદ કરી હતી તેમજ જે ઈદીના હકકદાર છે તેમને પણ ઈદી રુપી રોકડ રકમ આપી તેમનો હકક અદા કર્યો હતો. ઈદના તહેવાર દરમિયાન ભાવનગર શહેર જિલ્લાની તમામ મસ્જીદો અને ઈદગાહ નજીકમાં અને મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને પોલીસે પેટ્રોલીંગ પણ ગોઠવાયું હતું.

