કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવે મૃતકના પરિવારમાં આક્રંદ સાથે નાના એવા રાણ ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા ગોમતીબેન રવજીભાઈ સોનગરા (ઉ.વ. 30) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે પ્રૌઢનું અપમૃત્યુ
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા લખમણભાઈ નાયક મંગળવાર તા. 3 ના રોજ તેમના જોટાણા ગામેથી સામોર ગામે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 38 બી.જે. 4186 નંબરની ટાટા હેરિયર મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પુત્ર ખોડાભાઈ લખમણભાઈ નાયક (ઉ.વ. 20, રહે. મૂળ જોટાણા, હાલ સામોર)ની ફરિયાદ પરથી ટાટા હેરિયર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
સગાઈ થતી ન હોવાથી મોટા ગુંદાના ચિંતાગ્રસ્ત યુવાને જિંદગી ટૂંકાવી
ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા મીતભાઈ રમણીકભાઈ માણાવદરીયા નામના 25 વર્ષના યુવાનની સગાઈ થતી ન હોય અને આ બાબતે તેમને ટેન્શન રહેતું હોવાથી તેમણે મંગળવાર તા. 3 ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે લોખંડની આડીમાં સુતરની દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રમણીકભાઈ છગનલાલ માણાવદરીયાએ ભાણવડ પોલીસને કરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
