મુકેશ પંડિત, કાગધામ
કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં પરંતુ લોકસાહિત્યની સેવાની સ્મૃતિનું વંદન છે.

સમારોહમાં પૂજ્ય મોરારિબાપુના હસ્તે વિવિધ શ્રેણીઓમાં સાહિત્યકારોને ‘કવિ શ્રી કાગ લોકસાહિત્ય સન્માન’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં લોકસાહિત્ય મંચ માટે ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, સંશોધન ક્ષેત્રે તીર્થંકર રોહડિયા, ચારણી સાહિત્ય માટે અચલદાન બોક્ષા અને રાજસ્થાનના વિદ્વાનો સહિત અનેક પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, દિવંગત વિદ્વાનોને મરણોત્તર સન્માન આપી તેમની સાહિત્યિક સેવાઓને યાદ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પ્રાધ્યાપક રમઝાન હસણિયાએ કાગબાપુની રચનાઓના વૈવિધ્ય અને શાસ્ત્રીયતા પર પ્રકાશ પાડતા કહ્યું કે, તેમણે ગહન શાસ્ત્રીય વાતોને અત્યંત સરળ લોકભાષામાં વણી લીધી છે. આ પ્રસંગે વસંતભાઈ ગઢવીએ પ્રકાશનોના લોકાર્પણ વેળાએ પૂજ્ય બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ પ્રકાશનથી નવી પેઢી કાગબાપુને વધુ ઊંડાણપૂર્વક જાણી શકશે.

આ આધ્યાત્મિક અને સાહિત્યિક મિલનમાં જયદેવભાઈ કાગે સ્વાગત પ્રવચન કર્યું હતું અને બાબુભાઈ કાગે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ દવેએ સંભાળ્યું હતું. રજત મહોત્સવ અને પુણ્યતિથિના આ અવસરે જાણીતા કલાકારોએ કાગવાણીની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનાથી સમગ્ર મજાદર પંથક કાગમય બની ગયું હતું.
