સલાયા, ઓખા વિસ્તારમાં પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન

– દસ વીજ જોડાણો દૂર કરાયા: સવા આઠ લાખના દંડ ફટકારાયા –

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫

      દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. 

    આ પોલીસ કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પી.આઈ. પી.એ. રાણા અને બી.જે. સરવૈયા તેમજ પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં કુખ્યાત આરોપીઓ એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક, અકબર રજાક સંઘાર, શબ્બીર ઉર્ફે ભૂરો ગુલામહુસેન સુંભણીયા અને અબ્દુલ કરીમ સલીમ ભગાડના રહેણાંક મકાનમાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

      સલાયા મરીન વિસ્તારમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં ચાર વીજ જોડાણો રદ કરી, ગેરકાયદેસર વીજ કનેક્શન સંદર્ભ રૂ. 3,20,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન ડિટેઈન સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

       આ જ રીતે ઓખા મરીન પોલીસ વિસ્તારમાં પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ પીજીવીસીએલ સહિતની ટીમો દ્વારા કરેલી ચેકિંગ કાર્યવાહીમાં છ ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરી અને અંદાજિત રૂપિયા પાંચ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

       આ ઉપરાંત દારૂ, વાહન ચેકિંગ, હથિયાર સહિતની પણ કાર્યવાહી કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *