Headlines

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર

​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા.

​આ ધાર્મિક ઉત્સવમાં સિહોરના જાણીતા રાઠોડ પરિવારે ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. સિહોર નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સ્વ. ચતુરભાઈ રાઠોડના પુત્રી અને નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શોભનાબેન પ્રદીપભાઈએ સહપરિવાર માતાજીના દર્શન કર્યા હતા. પૂનમ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં ભાગ લઈ પરિવારે ધન્યતા અનુભવી હતી.

નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડે હોદ્દા કે પદના કોઈ પણ આડંબર વગર અન્ય મહિલા ભક્તો સાથે માતાજીના ચોકમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં રાઠોડ પરિવાર એકાકાર થયો હતો. દર્શન અને પૂજન બાદ પરિવારે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

સ્મરણો અને સેવાનો સંકલ્પ

મંદિરના ભુવા ટીકુભાઈ અને સેવકગણ દ્વારા રાઠોડ પરિવારને માતાજીની છબી પ્રસાદી સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ સિહોરના સેવાભાવી અગ્રણી સ્વ. ચતુરભાઈ રાઠોડના સંભારણા તાજા કર્યા હતા અને વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. રાઠોડ પરિવારે માતાજીના મંદિરના વિકાસના કાર્યો માટે હરહંમેશ તત્પર રહેવાની ખાતરી આપી હતી અને કોઈપણ સેવાની જરૂર હોય તો વિના સંકોચે જણાવવા મંદિરના સેવકોને વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *