સુરતના લિંબાયતમાં હિન્દુ પરિવારોના પલાયનનો ગંભીર મુદ્દો: ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં વ્યક્ત કરી વ્યથા
અસામાજિક તત્વોના ત્રાસ અને ધાર્મિક અસહિષ્ણુતાને કારણે હજારો તેલુગુ અને સ્થાનિક હિન્દુ પરિવારો ઘર વેચીને જવા મજબૂર
સુરત:
સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વસતીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે. લિંબાયત વિસ્તારના ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં અશાંતધારા વિધેયકની ચર્ચા દરમિયાન આ મુદ્દે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, અશાંતધારો અમલી હોવા છતાં લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓનું નામોનિશાન મટી રહ્યું છે.
હજારો તેલુગુ પરિવારોનું સામૂહિક પલાયન
ધારાસભ્યએ ખાસ કરીને લિંબાયતમાં વસતા તેલુગુ સમાજની પીડા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ આ વિસ્તારમાં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવારો અત્યંત શાંતિથી રહેતા હતા. પરંતુ સમય જતાં અમુક અસામાજિક તત્વોએ એ હદે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું છે કે આ પરિવારો હવે પોતાનું ઘર છોડીને અન્યત્ર રહેવા જવા મજબૂર બન્યા છે. પરિવારોને ધાક-ધમકી આપી તેમની મિલકતો સસ્તા ભાવે વેચવા અથવા ઘર ખાલી કરી ભાડે રહેવા જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
મિલકત હડપવાનું સુનિયોજિત કાવતરું
સંગીતા પાટીલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, અસામાજિક તત્વો દ્વારા મિલકત હડપવા માટે એક વ્યવસ્થિત વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. સૌપ્રથમ આ તત્વો હિન્દુ વિસ્તારમાં એક ઘર ખરીદે છે, ત્યારબાદ તેના પર ગેરકાયદેસર રીતે ચાર-પાંચ માળનું બાંધકામ કરે છે. ત્યારબાદ આજુબાજુના હિન્દુ પરિવારોને એટલી હદે હેરાન કરવામાં આવે છે કે તેઓ કંટાળીને પોતાના મકાનો આ તત્વોને સોંપી દે છે. આ રીતે ધીમે ધીમે આખું નગર વસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તેમણે મારૂતિનગર, પદ્માવતી નગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી અને અંબિકા નગર જેવી અનેક સોસાયટીઓના નામ આપ્યા હતા, જ્યાં એક સમયે હિન્દુઓની બહુમતી હતી, પરંતુ આજે ત્યાં માત્ર એક-બે પરિવારો જ માંડ બચ્યા છે અથવા તો ઘરોને તાળાં લાગી ગયા છે.
ધાર્મિક અસહિષ્ણુતા અને ગંદકીનો ત્રાસ
શાકાહારી હિન્દુ પરિવારોને હેરાન કરવા માટે ખોરાકની આદતોનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધારાસભ્યએ જણાવ્યું કે, શાકાહારી લોકોના ઘર નજીક માંસના ટુકડા ફેંકીને ગંદકી કરવામાં આવે છે. આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી તેમને માનસિક રીતે તોડી નાખવાનો અને વિસ્તાર છોડવા માટે મજબૂર કરવાનો છે.
સરકારી આવાસ યોજનામાં પણ વિવાદ
માત્ર ખાનગી સોસાયટીઓ જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ કે જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ડ્રો દ્વારા જ્યારે મકાનોની ફાળવણી કરવામાં આવે છે, ત્યારે ત્યાં રહેતા હિન્દુ પરિવારોને પણ આ પ્રકારના ત્રાસનો સામનો કરવો પડે છે.
સંગીતા પાટીલે માંગ કરી છે કે, અસામાજિક તત્વો દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવે છે તેના પર તાત્કાલિક નિયંત્રણ આવવું જોઈએ અને આવા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી લિંબાયતની શાંતિ અને એકતા જળવાઈ રહે.
