Friday June 20, 2025

હરીપર નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: સલાયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫

       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મદીના ચોક ખાતે રહેતા અલ્તાફભાઈ સલીમભાઈ સૈયદ નામના 24 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે રાત્રિના સમયે તેમના મિત્ર હાસમ ઉર્ફે સાહેલ રજાકભાઈ મોખા (ઉ.વ. 21, રહે. સલાયા) સાથે મોટરસાયકલ પર બેસીને સલાયાથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર હરીપર ગામ નજીક પહોંચતા માર્ગમાં એકાએક ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો.

       આ અકસ્માતમાં બાઈકમાં જઈ રહેલા હાસમ ઉર્ફે સાહેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે અલ્તાફભાઈ સૈયદની નોંધ પરથી ખંભાળિયા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. 

____________________________________________________________________________

અજાણ્યા વાહનની ઠોકરે રામનગરનો યુવાન ઈજાગ્રસ્ત

        ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં રહેતા અરૂણભાઈ ખીમાભાઈ વસરા નામના 29 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર જામનગર હાઈવે પર ખાનગી કંપનીના મેઈન ગેઈટ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

        અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે અરુણભાઈ વસરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

રાવલ ગામે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

          કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા જુગાર દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માલદે લાખા ગામી, દિનેશ હીરા જાદવ, રમેશ લખમણ જમોડ, સુકા ચના વાઘેલા, મસરી હીરા વાઘેલા, અરજણ ભીમશી સોલંકી, મોહન ઘેલાભાઈ જાદવ, ભગત ઉર્ફે મોહન કાના જાદવ અને ધીરુ ચના વાઘેલા નામના નવ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top