જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનના ૮ ફેરા તથા ટ્રેન નં. ૦૯૫૩૩ રાજકોટ-દ્વારકા અનારક્ષિત હોળી સ્પેશિયલ તા. ૧ થી ૪ માર્ચના રોજ રાજકોટથી સવારે ૬:૫૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે ૧૨:૩૦ વાગ્યે દ્વારકા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં પડધરી, હડમતીયા, જાળીયા દેવાણી, જામ વંથલી, અલિયાવાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલુસ, મોડપુર, ખંભાળિયા, ભાટેલ, ભોપલકા અને ભાટિયા સ્ટેશનો પર ઉભી રહેશે.
આ જ રીતે ટ્રેન નં. ૦૯૫૩૪ દ્વારકા-રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ ઉપરોક્ત ચાર દિવસ દ્વારકાથી બપોરે સવા બે વાગ્યે રવાના થઈને રાત્રે ૮:૧૦ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાટિયા, ભોપલકા, ભાટેલ, ખંભાળિયા, મોડપુર, કાનાલુસ, જામનગર, હાપા, અલિયાવાડા, જામ વંથલી, જાળીયા દેવાણી, હડમતીયા અને પડધરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ બંને ટ્રેનોમાં ૭ જનરલ કોચ રહેશે.
ટ્રેન નં. ૦૯૫૩૫/૦૯૫૩૬ રાજકોટ-ઓખા અનારક્ષિત સ્પેશિયલ ૪ ફેરા કરશે. જેમાં ટ્રેન નં. ૦૯૫૩૫ રાજકોટ-ઓખા અનારક્ષિત હોળી સ્પેશિયલ તા. ૧ અને ૨ માર્ચના રોજ રાજકોટથી બપોરે ૧:૨૫ વાગ્યે રવાના થઈ, આ જ દિવસે સાંજે ૬:૪૦ વાગ્યે ઓખા પહોંચશે.
ટ્રેન નં. ૦૯૫૩૬ ઓખા-રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ તા. ૧ અને ૨ ના રોજ ઓખાથી સવારે ૭.૨૦ વાગ્યે નિકળીને બપોરે ૧૨:૨૫ વાગ્યે રાજકોટ પહોંચશે.
આ ટ્રેનો માર્ગમાં બંને દિશાઓમાં પડધરી, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુર સ્ટેશનો પર ઉભી રહેશે. આ બંને ટ્રેનોમાં ૯ જનરલ કોચ રહેશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
