Headlines

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો


માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા હંમેશા છેવાડાના ગામડા અને ગરીબ કલ્યાણની રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભલે તે ખેડૂતો માટે ટેકાના ભાવની વાત હોય કે ગામડાના પાયાના માળખાકીય વિકાસની, અમારું લક્ષ્ય છે કે વિકાસની હરોળમાં પોરબંદરનો એક પણ નાગરિક પાછળ ન રહી જાય. સરકાર તમારી સાથે છે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ એ અમારી પ્રાથમિકતા છે.

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાણાવાવ ખાતે આશરે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર ટ્રેન મેન્ટેનન્સ કોચ પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી વિસ્તારને આર્થિક રીતે મોટો ફાયદો થશે. તેમણે રોડ-રસ્તાના નિર્માણ, ઘેડ પંથકની ખાસ યોજનાઓ અને સિંચાઈના કામોની માહિતી આપતા ઉમેર્યું હતું કે, ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકારના ઐતિહાસિક રાહત પેકેજે કમોસમી વરસાદના સમયે ખેડૂતોને મોટું પીઠબળ પૂરું પાડ્યું છે.

તેમજ આ પ્રવાસ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને સ્થાનિક પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને લોક રજૂઆતોના આધારે પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રીઓએ ખાસ કરીને ગ્રામીણ જીવનના પાયાના પ્રશ્નો જેવા કે વીજળી, પીવાનું પાણી અને સિંચાઈની વ્યવસ્થા, પ્રધાનમંત્રી સડક યોજના અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું. આ સાથે તેમણે સ્થાનિક વ્યાપારીઓ સાથે પણ મુલાકાત કરી વિસ્તારના આર્થિક પાસાઓ પર ચર્ચા કરી હતી.

કેન્દ્રીય મંત્રી માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કુતિયાણા તાલુકાના ટેરી ગામ ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિત સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *