Friday August 08, 2025

સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે : મોરારી બાપૂ

કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં

નારાયણ સરોવર, સોમવાર તા.૧૭-૨-૨૦૨૫
( મૂકેશ પંડિત )

કોટેશ્વર નારાયણ સરોવરમાં ‘માનસ કોટેશ્વર’ રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે.

કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુ ‘માનસ કોટેશ્વર’ રામકથા ગાન લાભ આપી રહ્યાં છે. કથાનાં ત્રીજા દિવસે ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં.

શ્રી મોરારિબાપુએ રામકથા ગાન કરતાં જેસલ તોરલ સ્મરણ સાથે શિવ પાર્વતી સંવાદથી લઈ તુલસીદાસજી દ્વારા શ્લોકને લોક સુધી પહોચાડનાર ગણાવી કથાપ્રવાહ વર્ણન કરતાં વિવિધ કોષ ચેતના અને ઈશ્વર પ્રાપ્તિ વિશે જણાવ્યું. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમયકોષ અનુક્રમે માં, પિતા, આચાર્ય, અતિથિ અને ગુરુ ખોલે છે અને ઈશ્વરનાં અંશની પ્રાપ્તિ કરાવે છે. શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે.

કથા એ વચનાત્મક નહિ પરંતુ રચનાત્મક બનાવવા પર શ્રી મોરારિબાપુએ ભારપૂર્વક જણાવી વૃક્ષારોપણ માટે ખાસ આગ્રહ કરી સામાજિક પ્રવૃત્તિ માટે ટકોર કરી. તલગાજરડામાં થયેલ વૃક્ષારોપણ સાથે સદભાવના સંસ્થા દ્વારા શરૂ રહેલ વ્યાપક અભિયાનનો પણ સાનંદ ઉલ્લેખ કરાયો.

શ્રી મોરારિબાપુએ નારાયણ સરોવર ક્ષેત્રનાં વિકાસમાં સરકારની બનેલી યોજનાને બિરદાવી અને આ વિકાસ કાર્યોમાં આ સ્થાનોનાં મૂલ્યો જાળવી રહેલાં પ્રતિનિધિઓને પણ સામેલ રાખવાં સૂચન ભાવ વ્યક્ત કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top