જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫
પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને શોધવા માટે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ વી.પી. માનસેતાની ટીમ દ્વારા વિદેશી નાગરિકોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ ખંભાળિયા સહિત સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પોલીસ સ્ટાફની વિવિધ ટીમો બનાવી અને કુલ 144 શકદાર લોકોની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર છે. ત્યારે દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સુરક્ષા માટે પોલીસ જિલ્લા પોલીસ પ્રશાસન વધુ સક્રિય બન્યું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)