– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –

– દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ –
જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫
આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સાથે દ્વારકા દર્શન સર્કિટના બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, હનુમાન દાંડી, મોમાઈ બીચ સહિતના તીર્થ અને પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી.
આજથી નાતાલનું મીની વેકેશન શરૂ થતાં જ પ્રવાસીઓથી યાત્રાધામ દ્વારકા ધમધમવા લાગ્યુ છે. ભાગવત સપ્તાહો, દર્શનાર્થે આવતા ભાવિકો અને હરવા-ફરવા આવતા લોકોના કારણે દ્વારકાનગરી ધમધમવા લાગી છે.
યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની ફેસ્ટીવલની આજથી શરૂઆત થઈ છે. તા. 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી 10 દિવસ દ્વારકામાં પ્રવાસીઓ, ભાવિક દર્શનાર્થીઓ અને સૌરાષ્ટ્ર ગુજરાતના વિદ્યાર્થી ટુરના બુકીંગો દ્વારકાની હોટલો અને અતિથિગૃહો, ધર્મશાળામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં આવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વજાજી આરોહણ, ઠાકોરજીના મનોરથો અને ભાગવત સપ્તાહ જેવા કાર્યક્રમો આ દસ દિવસના મીનીવેકેશનમાં થવાના છે. લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ દ્વારકા આવનાર હોય તંત્ર દ્વારા પણ વ્યવસ્થાની પૂરી તૈયારી કરવામાં આવી છે. લોકો હાલના શિયાળાના સુંદર વાતાવરણના કારણે પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં આવવા માટે નીકળેલા છે. જેથી દ્વારકામાં દિવાળી બાદ નાતાલના બુકીંગની શરૂઆત થઈ હતી.
હાલમાં દ્વારકામાં હોટલ, ધર્મશાળા અને જુદા-જુદા સમાજના અતિથિગૃહોમાં જોઈએ તો અંદાજિત 3500 જેટલા રૂમો પ્રાપ્ત હોય, જેથી દ્વારકામાં હવે રહેવાની સુવિધાઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં જ નાતાલના આ વેકેશનમાં દ્વારકામાં 5 થી 6 સ્થળોએ દેશના જુદા જુદા પ્રાંતોમાંથી યાત્રિકો દ્વારા ભાગવત સપ્તાહના કાર્યક્રમો શરૂ થયા છે.
હાલ શિયાળાની ખૂબ જ અનુકૂળ ઋતુ અને કુદરતી વાતાવરણના કારણે ખાસ કરીને દ્વારકાના સમુદ્ર કિનારો પ્રવાસીઓને હરવા ફરવા માટે પણ વધુ અનુકૂળ છે.


(ફોટો:- કુંજન રાડિયા)
