તદ્દન વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવાર કરતી સંસ્થાના કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી

મૂકેશ પંડિત, ઈશ્વરિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬
ગોહિલવાડનાં અગિયાળીમાં જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના ધર્મ ગુરુઓએ મુલાકાત લીધી અને સેવા કાર્યની પ્રસન્નતા વ્યક્ત કરી.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં આચાર્ય ભગવંત શ્રી ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, શ્રી દેવેન્દ્ર મહારાજ સાહેબ તથા શ્રી સાધ્વીજી મહારાજ સાહેબે મુલાકાત લીધી હતી અને આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવારનાં સેવા કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી
ગોહિલવાડનાં અગિયાળી ગામમાં અબોલ જીવોની નિઃશુલ્ક સેવા કરતી આ હોસ્પિટલના સેવાકાર્યો જોઈને આચાર્ય ભગવંતે અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અંહીંના કાર્યકર્તા જીવદયા રક્ષકોને આશિર્વાદ આપતા આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સમાજમાં પાંજરાપોળને જ જીવદયા માનવામાં આવતી હતી. પરંતુ, પ્રેરણા ફાઉન્ડેશને જીવદયા સેવા કેટલી વિશાળ અને અનન્ય હોઈ શકે તે પ્રત્યક્ષ કરી બતાવ્યું છે. તેઓએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી ઝીણવટભરી સેવાની માહિતી મેળવીને આ કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
જીવદયા માત્ર આશ્રય આપવા પૂરતી સીમિત નથી, પરંતુ દરેક જીવને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અબોલ જીવોને બચાવવા, તેમને સમયસર આધુનિક તબીબી સારવાર આપવી, પ્રેમથી સંભાળ રાખવી અને તેમના પુનઃવસન માટે પ્રયાસો કરવા એ સાચી જીવદયા છે. પ્રેરણા ફાઉન્ડેશનની આ નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા ખરેખર વંદનીય છે.
