
– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા –
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમાર નામના સતવરા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર નામના 30 વર્ષના યુવાન સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી ઉકરડા બાબતે મનદુખ ચાલ્યું આવતું હતું. આ પરિસ્થિતિમાં દેવરાજભાઈએ થોડા સમય પૂર્વે આરોપી એવા તેમના ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશીના બા મણીબેનને માર માર્યો હતો.
આ બાબતનું મન દુઃખ રાખી, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી પરમારએ ગત તારીખ 13 એપ્રિલના રોજ સવારના સમયે દેવરાજભાઈને જે.સી.બી.ના પાવડા વડે બેફામ મારતા માર્યો હતો. આટલું જ નહીં, તેમના પત્નીને પણ બીભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાવડાના ઘા થી ઈજાગ્રસ્ત બનેલા દેવરાજભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના મોટાભાઈ એવા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. 50) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર (ઉ.વ. 30, રહે. ગાગા) સામે બી.એન.એસ. ની કલમ 103 (1), 352, 351 (3) મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રકરણમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીને પોલીસે અદાલત સમક્ષ રજુ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કુટુંબી ભત્રીજા દ્વારા કાકાની કરવામાં આવેલી ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા ગાગા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)