Saturday June 21, 2025

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫

        રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

          દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મંગળવારે જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત તારીખ 1 થી 31 જાન્યુઆરી સુધીના આ આયોજનમાં ખંભાળિયા-દ્વારકા હાઈવે રોડ અત્રે પાયલ ચોકડી પાસે એસ.ટી. બસના ચાલક-કંડક્ટર તથા ટ્રક ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે ‘પરવાહ’ (Care) માર્ગ સલામતી કાર્યક્રમ હેઠળ નિ:શુલ્ક આંખ તપાસણી, ચશ્મા વિતરણ તથા ડાયાબિટીસ- અને બીપીની તપાસણી, ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ સાથે ટ્રાફિક અવેરનેસ સ્ટીકર્સ ચોટાડવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અહીંની સરકારી હોસ્પિટલના ડૉ. ઉત્સવ પડીયા તથા મેડિકલ ટીમ, એ.આર.ટી.ઓ. અધિકારી, એસ.ટી. ડેપો મેનેજર મિલન રાઠોડ વિગેરેની ઉપસ્થિતિમાં એસટી બસ ડ્રાઈવર તથા ટ્રક ચાલકો તથા અન્ય વાહન ચાલકો મળીને કુલ 147 વાહન ચાલકોની આંખ તથા બી.પી. અને ડાયાબિટીસની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ચેકઅપ દરમિયાન 53 જેટલા વાહન ચાલકોને નંબર જણાતા આ તમામ વાહન ચાલકોને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા.

      આ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક રુલ્સ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાહનોમાં ટ્રાફિક અવેરનેસ સ્ટીકર્સ પણ લગાવવામાં આવ્યા હતા. જેથી લોકોમાં સડક સુરક્ષાથી જીવન રક્ષા બની રહે તેવો ઉદ્દેશ વ્યક્ત કરાયો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top