જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત મહાસ્થાન વહીવટી પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મપુરી સ્થિત શ્રી સરસ્વતી મંદિર ખાતે સવારે મંદિર પરિસરમાં વેદ-મંત્રોના જાપ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વસંત પંચમીના શુભ દિને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસનું વિશેષ મહત્વ હોય, આ દિવસે જ્ઞાન, વિદ્યા, કલા અને સંસ્કૃતિની ઉપાસના કરવામાં આવી હતી. આ ઉપરાંત સરસ્વતી મંદિરે નૂતન ધ્વજારોહણ તેમજ સમાજના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કાંતિભાઈ ઓડિચ, શહેર પ્રમુખ જીતુભાઈ મોતા, શહેરના પત્રકાર આલમમાં ભીષ્મ પિતામહ ગણાતા રમણીકભાઈ રાડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સારસ્વત બ્રહ્મ સમાજને તેમજ આયોજકોને આ પરંપરાગત આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)
