જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬
વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ગુજરાતભરમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તેજ પ્રકાશ લેરાવતી આ વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને તેમના વાહન ચલાવવા તેમજ કાબુમાં રાખવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અમુક સંજોગોમાં અકસ્માત થવાની પણ પૂરી સંભાવનાઓ રહેલી છે.
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ નિયમનો સખતાઈ પૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયામાં પણ આરટીઓ દ્વારા આ અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરટીઓ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં આ નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ સાથે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમનોના પાલન અંગે સમજ આપવામાં આવી રહી છે. જો કોઈપણ આસામીના વાહનમાં આવી બ્લાઈન્ડીગ લાઇટ્સ હોય તો ચેતી જવા તંત્ર દ્વારા એ આવા વાહન ચાલકોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
