ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ થાણામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ ભેદી કારણોસર નજીકના ભૂતેશ્વર ગામે પોતાની ખાનગી કારમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા પોલીસમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવનાર અને સામાન્યતઃ પીએસઓનો પણ ચાર્જ સંભાળનાર જમાદાર દિગ્વિજયસિંહ ગોહિલે ગઇ કાલે ઘોઘા પોલીસ તાબેના ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામે પોતાની ખાનગી કારમાં ઝેરી દવા પી જતા તેમને તત્કાલ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ત્યાં આજે તેમનું સારવાર મોત નીપજ્યું હતું. બનાવ અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. પોલીસે ગઈકાલે દાખલ કરેલી જાણવાજોગને આજે એડીમાં કન્વર્ટ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
જોકે આ અંગે ભાવનગર ડીવાયએસપીએ એવી કેફિયત આપી છે કે મરનારના પિતાનું જયદેવસિંહ ગોહિલ (રહે. ચિત્રા, ભાવનગર)નું નિવેદન લેવામાં આવ્યું છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે મરનાર છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ડો. કેયુર પરમારની માનસિક બીમારીની દવા લેતા હતા. અગાઉ કેટલો સમય રજા ઉપર રહ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ ઘોઘા પોલીસમાં ફરજ પર હાજર થયા હતા. બે દિવસ પહેલા જ ઘોઘા પોલીસે ભૂતેશ્વર માંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી અને ત્યાર પછી જ ગઈકાલે એક જમાદાર કક્ષાના પોલીસ કર્મચારીની આપઘાતની ઘટના એ જ ગામમાં બને છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેમને ઘોઘા પોલીસમાં કામના ધારણ સંબંધિત કેટલાક સવાલો પણ હતા. જોકે પ્રાથમિક તબક્કે ડીવાયએસપીએ માનસિક બીમારીના કારણને આગળ કહ્યું હતું તેમ છતાં તેમણે કહ્યું હતું કે કામના સહિત બીજા કોઈ પણ કારણ હશે તો પણ એડીની તપાસના કામે તેને ધ્યાનમાં લેવાશે. પોલીસ અધિકારી વર્ગમાં પોતાનું કામ સીધી રીતે નહીં કરનાર અને અમુક કામ માત્ર ઈશારે નહીં કરનાર કર્મચારીઓને માનસિકમાં ખપાવી દેવાની માનસિકતા વર્ષો જૂની છે ત્યારે ડીવાયએસપીની અન્ય બાબતને ધ્યાનમાં લેવાની વાત મહત્વની બની રહે છે. તો બીજી તરફ ઝેરી દવા પીવા માટે જમાદાર એ ભૂતેશ્વર જ શા માટે પસંદ કર્યું અને તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે પણ એટલું જ મહત્વનું બની રહે છે. આ ઉપરાંત મરનારના પરિવારના અન્ય સભ્યોના નિવેદન મરનારના પિતાનું પુનઃનિવેદન ફર્ધર સ્ટેટમેન્ટ તેમજ કોલ રેકોર્ડ અને રેકોર્ડિંગ કોઈ નવો જ ધડાકો કરી શકે છે.


