
– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી –
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ ખાસ લક્ષ્ય કેળવી અને એલસીબી વિભાગને જરૂરી સૂચનાઓ આપી છે.



ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી અને આવા શખ્સો સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ન કરી શકે તે હેતુથી પાસાની દરખાસ્ત તૈયાર કરી, જરૂરી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા અસામાજિક તત્વોની માહિતી એકત્ર કરી અને આવા તત્વો જિલ્લામાં કોઈ ગંભીર ગુના ન આચરે તેમજ લોકો સુરક્ષિત બની રહે તે હેતુથી પાસાની દરખાસ્ત તૈયાર કરાવીને અહીંના જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ. તન્ના સમક્ષ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. એને કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવતા એલસીબીની ટીમે આ શખ્સો સામેના વોરંટની બજવણી કરી હતી.
આ કામગીરીમાં પોરબંદર તાલુકાના બગવદર ગામના સહદેવ જેઠાભાઈ બાપોદરા (ઉ.વ. 28) ને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે, કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના લખમણ અરભમ ખૂંટી (ઉ.વ. 22) ને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે તેમજ પોરબંદર તાલુકાના દેગામ ખાતે રહેતા જયમલ ઉર્ફે જયલો સૂંડાવદરા મેર (ઉ.વ. 25) ને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. આકાશ બારસીયા, ભાર્ગવ દેવમુરારી અને એસ.વી. કાંબલીયા સાથે નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ, ગોવિંદભાઈ, ખીમાભાઈ, લાખાભાઈ, સચિનભાઈ, ક્રિપાલસિંહ, પુરીબેન અને હસમુખભાઈ દ્વારા કરવામાં આવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)