Headlines

​નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !



​નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬

ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ થોડી જ વારમાં આ બનાવના પગલે હાજર થઈ ગયા હતા અને તલાટી મંત્રી આ બનાવ બન્યો ત્યારે ત્યાંથી પસાર થયા હતા પરંતુ ઊભા રહ્યા ન હતા તેમ પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વીજતત્રના ઉપરથી ખાબકેલા થાંભલાએ સાજણ નાગજી લાફકા નામના એક મજૂર યુવકના બાઇકનો છૂંદો કરી નાખ્યો છે.


​ભ્રષ્ટાચાર કે બેદરકારી?

ધોળા દિવસે જોખમાયા નિર્દોષોના જીવ
​આજે સવારે ૧૧:૩૩ વાગ્યે જ્યારે સમગ્ર ગામ દૈનિક ચહલપહલમાં હતું, ત્યારે પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી નિશાળ પાસે અચાનક જ વીજળીનો થાંભલો કકડભૂસ થઈને નીચે પડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ થાંભલો હજુ હમણાં જ સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવ્યો હતો. થાંભલાના પાયામાં નબળું કામ થયું હોવાનું કે યોગ્ય રીતે ફિટિંગ ન થયું હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. આ અકસ્માતમાં નીચે પાર્ક કરેલી એક બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જે જોઈને કોઈ પણ કહી શકે કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો આજે લાશ ઉઠાવવાનો વારો આવ્યો હોત.


​ખુશીનો પ્રસંગ માતમના ફેરવાતા રહી ગયો!


​જે સમયે આ થાંભલો પડ્યો, બરાબર ત્યારે જ બાજુના રોડ પરથી એક જાનનું સામૈયું ડીજેના તાલે પસાર થઈ રહ્યું હતું. સેંકડો લોકો રસ્તા પર હતા અને આનંદ-પ્રમોદનો માહોલ હતો. વિચારો કે જો એ થાંભલો જાનૈયાઓ પર પડ્યો હોત તો? આ વિચાર માત્રથી જ ગામ લોકોના રુંવાડા ઉભા થઈ ગયા છે. નસીબ બળિયા કે મોટી દુર્ઘટના ટળી, બાકી પંચાયતના પાપે આજે અનેક પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા હોત.
​સરપંચ, તલાટી અને PGVCLના ‘સુપર વિઝન’ પર ઉઠ્યા સવાલો
​આ ઘટનાએ સીધેસીધું સરપંચ, તલાટી મંત્રી અને PGVCLના અધિકારીઓની કાર્યશૈલીને ઉઘાડી પાડી દીધી છે.
​ક્યાં હતું સુપર વિઝન? જ્યારે કામ ચાલતું હતું ત્યારે કોઈએ પાયાની મજબૂતી તપાસવાની તસ્દી કેમ ન લીધી?


​શું માત્ર બિલ પાસ કરવામાં જ રસ છે?

જનતાના જીવ કરતા શું કોન્ટ્રાક્ટરની લાલચ મોટી છે?
​ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કામ પૂર્ણ સમજી લે છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ આટલી ભયાનક છે.
​વળતર કોણ આપશે? પંચાયત કે PGVCL?
​અકસ્માતમાં જે બાઈકને નુકસાન થયું છે, તેનો માલિક હવે ન્યાય માંગી રહ્યો છે. શું પંચાયત પોતાની ભૂલ સ્વીકારીને રિગ્રેટ વ્યક્ત કરશે? શું ગરીબ માણસની બાઈકનું વળતર આ ‘મસમોટા’ સાહેબો આપશે? આ સવાલ અત્યારે હવામાં લટકી રહ્યો છે.
​તંત્ર માટે ચેતવણી: જો આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે અને કામની ગુણવત્તા તપાસવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં નવા રતનપરની જનતા ઉગ્ર આંદોલન છેડવાની તૈયારીમાં છે. પડેલા થાંભલાના પડતાની સાથે જ ચાર કટકા થઈ ગયા હતા તે પણ બતાવે છે કે તેની ગુણવત્તા કેવી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *