નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026
ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે સભ્યો છગન દયાળ બારૈયા અને પ્રવીણ મકવાણા પંચાયત ધારા પ્રમાણે ગેરલાલાયક ઠરતા હોવા છતાં તેની સામે કોઈ જ એક્શન નહીં લેતા હોવાની ફરિયાદો સપાટી ઉપર આવી રહી છે. બબ્બે સભ્યો ગેરલાયક હોવા છતાં તેને પોતાની બોડીમાં રાખવા બદલ બાકીના સભ્યો સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કેમ લાવતા નથી? – એવો સવાલ ઉઠવા પામ્યો છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે વિસ્તરણ અધિકારી દવે શું કરી રહ્યા છે તેના પર પણ બધાની મીટ મંડાયેલી છે.
આ અંગે સંબંધિત પંચાયતી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર નવા રતનપર ગ્રામ પંચાયતની બોડીના સભ્ય તરીકે ચૂંટાઈ ગયેલા છગન દયાળ બારૈયા વિશે અનેક “કટુ વચન” સંભળાઈ રહ્યા છે. છગનને ત્રણ સંતાનો હોવા છતાં તેણે સરકાર સાથે બનાવટ કરીને નિયમોનું ઉલ્લંઘન કરીને સભ્ય પદે ફોર્મ ભર્યું હતું અને ચૂંટાઈ પણ આવ્યો હતો. આ બાબતની સરપંચને જાણ હોવા છતાં સરપંચ તેને સભ્ય પદે ચલાવી રહ્યા છે. નવા રતનપરમાં એવી લોકમાંગ ઉઠવા પામી છે કે છગનને સભ્ય પદેથી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ ઉપરાંત નવી સરપંચ બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી જ વિવાદમાં રહેલા વધુ એક સદસ્ય પ્રવીણ મકવાણા સામે પણ વધુ એકવાર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને એવી માંગ અથવા પામી છે કે પ્રવીણને તાત્કાલિક ધોરણે સભ્ય પદેથી દૂર કરવામાં આવે કારણ કે પંચાયત ધારા અનુસાર કોઈ સદસ્ય સરકારી મિલકતમાં દબાણ કરે તો તેને સભ્ય પદે રાખી શકાય નહીં. આના અનુસંધાનમાં એવી વિગતો બહાર આવવા પામી છે કે પ્રવીણ મકવાણા એ પંચાયતની જમીનમાં દબાણ કરીને આખે આખી એક દુકાન ચણી લીધી છે અને ગામના હોળી ટીંબા ને પણ અડચણ થાય તે પ્રકારે દબાણ કરવાની અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે પ્રકારનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ભૂતકાળમાં ક્યારેક કોંગ્રેસની પ્રવૃત્તિમાં તો ક્યારેક સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેનાર પ્રવીણ મકવાણાએ પોતાની દુકાનના હિતમાં જ રાજકારણમાં ભણવાનું પસંદ કર્યું હતું અને તે કેટલુંક રાજકારણ રમીને પંચાયતના સભ્ય પદ સુધી પહોંચી ગયો હતો. અને સભ્ય બન્યા પછી સરકારી જમીનમાં પાકુ બાંધકામ કરીને દુકાન બાંધી લેનાર પ્રવીણ આ દુકાનને કાયદેસરતા આપવા માંગતો હતો. પરંતુ ગ્રામ પંચાયતે આ બાબતમાં તેને સહકાર આપ્યો ન હતો તેથી પ્રવિણ રાજીનામું આપવાનો ડ્રામા ખડો કર્યો હતો. અને એમાં પણ રાજકારણ એવું રમાયું કે પ્રવીણનું રાજીનામું એક બાજુ રહી ગયું હતું અને બીજા અનેક મુદ્દાઓનો ધુમાડો કરી દેવામાં આવ્યો હતો. પંચાયત ધારા પ્રમાણે દબાણ કરનાર કોઈપણ સદસ્ય આપોઆપ ગેરલાયક ઠરે છે.

આ રીતે પ્રવીણ મકવાણા અને છગન દયાળ બારૈયા એમ બે સભ્યો સ્પષ્ટપણે ગેરલાભ ઠરે છે – તેથી એક એવો સવાલ ઉઠવા પામ્યો છે કે આ બંને સભ્યોને હટાવવાની કાર્યવાહી નહીં કરવા બદલ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે થતી નથી? જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે વિસ્તરણ અધિકારી દવે ના ટેબલ પરથી પણ કેટલીક “ચોક્કસ” કાર્યવાહી થઈ રહ્યું હોવાનું અંતે જાણવા મળી રહ્યું છે.

@@@

સરપંચ ગૌતમ બારૈયાને હોદ્દા પરથી હટાવવાનું વિકાસ વિરોધી તત્વોનું સપનું હાલ પૂરું નહીં થાય

પંચાયત બોડીના જ કેટલાક સભ્યો સરપંચ ગૌતમ બારૈયા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેને હોદ્દા પરથી દૂર કરવાના અને પોતાના માલિક માનીતા અને પોતે કહ્યું કરે એવા સરપંચને હોદ્દા પર લાવવાના હવાતિયાં મારી રહ્યા છે પરંતુ જો છગન અને પ્રવીણ સહિત બે સભ્યો હોદ્દા પરથી દૂર થાય તો પછી સરપંચ ગૌતમ બારૈયાને હટાવવાનું વિકાસ વિરોધી તત્વોનું સપનું પાર પડે તેમ નથી. બીજી તરફ સરપંચ નવા હોય ત્યારે તેને કામ કરવા માટે એક વર્ષનો સમય ગાળો પણ આપવાનો હોય છે એટલે ભૂતકાળના કેટલાક ચુકાદાઓ અનુસાર એક વર્ષ પૂર્વે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે તો પણ તે ટકી શકે નહીં. એટલે એવા સ્થિતિ-સંજોગો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે હાલમાં સરપંચ ગૌતમ બારૈયાને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવાનું વિકાસ વિરોધી તત્વોનું સપનું પૂરું થઈ શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *