Headlines

પોરબંદરમાં વિઝા ફ્રોડના ચાર આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી: ખોટા દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓ સામે પોલીસ ધરપકડનો માર્ગ મોકળો


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર પંથકમાં વિદેશ જવાની વધતી જતી ઘેલછાને કારણે પાસપોર્ટ અને વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ પ્રકારના એક ગંભીર મામલામાં પોરબંદરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વિઝા ફ્રોડના ચાર આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે ભગવદર પોલીસ સ્ટેશનમાં શીતલ નિલેશભાઈ ઓડેદરા દ્વારા શૈલેષ પ્રજાપતિ, રીતેન ઉર્ફે બોબી પટેલ, આયુષીબેન દિલીપભાઈ વાનેસરા અને વિપુલભાઈ પઢીયાર વિરુદ્ધ વિઝા ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આરોપીઓ દ્વારા કુલ ૨૮,૦૦,૦૦૦ રૂપિયાની રકમ ઈન્વેસ્ટમેન્ટના નામે પડાવી લેવામાં આવી હતી.
પોરબંદરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીઓએ ધરપકડથી બચવા માટે ચાર અલગ અલગ આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, ફરિયાદ પક્ષના વકીલ ભરતભાઈ લાખાણીએ કોર્ટમાં વિગતવાર વાંધાઓ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓ ભોળા લોકોને વિશ્વાસમાં લઈને ખોટા કાગળો તૈયાર કરે છે, ઈ-મેઈલ દ્વારા મુંબઈ બોલાવી ખોટી ઓફિસમાં લઈ જઈ દસ્તાવેજો પર સહી કરાવે છે અને વિઝાના નામે મોટી રકમની છેતરપિંડી આચરે છે. જો આવા ગંભીર ગુનામાં આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવે તો અન્ય ગુનેગારોને પ્રોત્સાહન મળી શકે છે.
ફરિયાદની ગંભીરતા અને કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બુદ્ધદેવ દ્વારા ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે, જેના પરિણામે હવે પોલીસ માટે આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. આ કાનૂની લડતમાં ફરિયાદ પક્ષ તરફથી દીપકભાઈ લાખાણી, ભરતભાઈ લાખાણી, હેમાંગ લાખાણી, અનિલ સુરાણી, જીતેન સોનીત્રા, જયેશ બારોટ, નવઘણ જાડેજા, ભૂમિ વરવદીયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *