Headlines

નવા રતનપરમાં ભ્રષ્ટાચારનો ભોંયરો: પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા બાદ હવે કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયાની મુશ્કેલીઓનો દોર શરૂ: પૂર્વ સરપંચ ગૌતમને ઉડાડનાર સભ્યોમાંથી 3 ગેરલાયક સભ્યો પણ ઉડે તેવી સંભાવના


દાગી સભ્યો પર કાર્યવાહી કરવી કે તેમને બચાવવા? ધર્મેશ બારૈયા સામે રાજકીય ધર્મનિભાવવાનો મોટો પડકાર

ભાવનગર:
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ભ્રષ્ટાચારના જે મૂળિયાં નંખાયા હતા, તે હવે સત્તાના સમીકરણો બદલાવાની સાથે જ પોલા સાબિત થઈ રહ્યા છે. પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાએ વિકાસના નામે જે રીતે ભ્રષ્ટાચારની જાળ બિછાવી હતી અને સારા કોંક્રિટના રોડ પર બ્લોક નાખીને પ્રજાના નાણાંનો દુરુપયોગ કર્યો હતો, તેના કારણે તેમને સત્તા ગુમાવવી પડી છે. હવે સત્તાની ધુરા કાર્યકારી સરપંચ તરીકે ધર્મેશ બારૈયાએ સંભાળી છે, પરંતુ તેમના માટે રસ્તો કાંટાળો છે. નવા રતનપરની ગ્રામ પંચાયતમાં માત્ર પૂર્વ સરપંચ જ નહીં, પરંતુ તેમને ઉડાડનાર સભ્યોમાંથી અનેક સભ્યો પોતે જ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના દલદલમાં ફસાયેલા છે.
દાગી સભ્યો પર કાર્યવાહીનો મોટો પડકાર
રાજકીય સમીક્ષકોના મતે, પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાને સત્તા પરથી હટાવનાર પંચાયતના સભ્યો પણ ‘દૂધે ધોયેલા’ નથી. ગામના જાગૃત નાગરિકો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પંચાયતના સભ્યોમાં ત્રણ સભ્યો એવા છે કે જેમની સામે જો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તો તેઓ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરે તેમ છે. આ ત્રણ સભ્યોમાંથી બે સભ્યો પર સરકારી જમીન પર દબાણ કરવાનો ગંભીર આરોપ છે, જ્યારે એક સભ્ય પર અન્ય વ્યક્તિની માલિકીની જમીનમાં ઓળીવણ કે ખોટી રીતે દખલગીરી કરવાનો આક્ષેપ છે.
હવે નવા કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયા માટે આ સભ્યો સામે પગલાં લેવા કે કેમ, તે એક મોટો પડકાર બની રહ્યો છે. જો તેઓ આ ત્રણ સભ્યો સામે કડક કાર્યવાહી નહીં કરે, તો જાગૃત નાગરિકો પોતે જ આ મામલો ઉચ્ચ કક્ષાએ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો અન્ય લોકો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તો કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયાની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ખડા થશે અને તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થશે.
પરિવાર અને સત્તાના કેફમાં ફસાયેલા ધર્મેશ બારૈયા
ધર્મેશ બારૈયા પાસે આ કાર્યકારી સરપંચ તરીકેનો ચાર્જ મર્યાદિત સમય માટે છે, કારણ કે આગામી દિવસોમાં અહીં દલિત અનામત બેઠક માટે ચૂંટણી આવવાની છે. આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર એક ‘રખેવાળ’ સરપંચની ભૂમિકામાં છે. કોઈ પણ નીતિવિષયક નિર્ણયો લેવા કે મોટા કામો હાથ ધરવા તેમના માટે વિવાદનું કારણ બની શકે તેમ છે. આ ઉપરાંત, ધર્મેશ બારૈયાના પરિવારના સભ્યોની વર્તણૂક પણ તેમની છાપ ખરડી શકે તેવી સ્થિતિ છે. અગાઉની ચૂંટણીમાં જ્યારે તેમની પેનલનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે તે વિજયનો ‘કેફ’ પરિવારના કેટલાક સભ્યોને ચડી ગયો હતો, જે આજે તેમના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે.
દલિત સ્મશાનનો મુદ્દો અને વિવાદોનું કેન્દ્ર
નવા રતનપર ગામનું દલિત સ્મશાનનું કામ લાંબા સમયથી મંજૂર હોવા છતાં પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. આ કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયા માટે સૌથી મોટું ‘પરીક્ષાનું કેન્દ્ર’ છે. જો તેઓ આ કામ પૂર્ણ કરાવે, તો તેમનું પોતાનું જ સભ્ય ગ્રુપ જે અગાઉથી સ્મશાનનો વિરોધી વલણ ધરાવે છે, તે તેમની સામે પડવાની શક્યતા છે. પરિણામે તેમણે અમુક લોકોને આપેલા પ્રોમિસ તૂટી શકે છે. બીજી તરફ, જો તેઓ આ કામ નહીં કરે, તો ગામના લોકો અને સામાજિક સંગઠનો દ્વારા વિવાદો ઉભા કરવામાં આવશે જ.
આમ, તમામ પરિસ્થિતિઓને જોતા એવું સ્પષ્ટ જણાય છે કે, જે સભ્યોએ પૂર્વ સરપંચને ગાદી પરથી ઉડાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેઓ પોતે પણ હવે ‘થોડા દિવસના મહેમાન’ છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં આ દાગી સભ્યોના પત્તાં પણ સાફ થવાની પૂરેપૂરી શક્યતા છે. નવા રતનપરનું રાજકારણ હાલ અત્યંત નાજુક તબક્કે છે, જ્યાં કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયા એક તરફ કુવો અને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિમાં મુકાયા છે. જો તેઓ આંતરિક ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ જશે, તો ટૂંક સમયમાં જ તેઓ અને તેમની આખી પેનલ કાયદાના સકંજામાં આવી શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *