જામ ખંભાળિયા, તા. ૦૩-૦૭-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના 6 વર્ષીય મિલન ચૌહાણ નામના એક બાળકને થોડા સમય પૂર્વે રમતી વખતે આંખમાં લાકડી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાના કારણે બાળકની જમણી આંખનો આગળનો ભાગ (કોર્નિયા) સંપૂર્ણપણે ચિરાઈ ગયો હતો. જેથી આંખમાંથી રક્તસ્રાવ થયો હતો અને આંખનું દેખાવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
આથી આ બાળકને ગત શનિવારની રાત્રે તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના આંખના સર્જન ડૉ. ઉત્સવ પડિયા અને તેમની ટીમે કોઈપણ વિલંબ કર્યા વિના જરૂરી સારવાર શરૂ કરી હતી તથા સર્જરી માટે તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરી હતી.
આંખની ઇજા અત્યંત ગંભીર અને જટિલ હોવાથી રવિવારે સવારે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પહેલાં વાલીઓને ઇજાની ગંભીરતા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આવી પરિસ્થિતિમાં સર્જરી બાદ દ્રષ્ટિ કેટલી હદ સુધી પુનઃપ્રાપ્ત થશે તે અંગે અગાઉથી કોઈ ખાતરી આપી શકાતી નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ડૉ. ઉત્સવ પડિયા અને તેમની ટીમે સફળતાપૂર્વક જટિલ સર્જરી પૂર્ણ કરી હતી. સર્જરી બાદ બાળકની આંખની સ્થિતિમાં સંતોષકારક સુધારો નોંધાયો છે અને તેને ફરીથી દેખાવાનું શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બાળક તબીબી દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે.
આ બાળકના પિતાએ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને ડૉ. ઉત્સવ પડિયાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ સામાન્ય શ્રમિક પરિવાર સાથે સંકળાયેલા છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી તેમના માટે શક્ય નહોતી. સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર, યોગ્ય માર્ગદર્શન અને સતત દેખરેખ મળતાં તેમના બાળકને યોગ્ય સારવાર મળી શકી, જેના માટે તેઓ સમગ્ર તબીબી ટીમના ઋણી છે.
– વાલીઓ માટે મહત્વનો સંદેશ –
બાળકો રમતી વખતે આંખમાં કોઈપણ પ્રકારની ગંભીર ઇજા થાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાનો પ્રયાસ ન કરવો અને સમય ગુમાવ્યા વિના તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આંખની ગંભીર ઇજાઓમાં સમયસર મળતી યોગ્ય સારવાર આંખ તથા દ્રષ્ટિ બચાવવાની શક્યતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


