Headlines

નવા રતનપરમાં બહુ મોટું કૌભાંડ: સારા કોંક્રિટ રોડ પર બ્લોક નાખી પૈસા ખાઈ જનાર પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા સામે રોષે ભરાયેલા ગામલોકોના પંચાયત ઓફિસે ઉમટ્યા ટોળા


બ્લોક રોડના કામમાં ભયંકર ગેરરીતિ: તપાસનો ગાળિયો કસાતા ગૌતમ બારૈયા સહિત પંચાયતના શંકાસ્પદ સભ્યોની મુશ્કેલીમાં વધારો

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે આચરવામાં આવેલા એક બહુ મોટા કૌભાંડે ગામના રાજકારણને હચમચાવી દીધું છે. ગામના પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાએ પોતાના કાર્યકાળ દરમિયાન જે રીતે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે, તેનો ઘટસ્ફોટ થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે કોંક્રિટ રોડ સારી કન્ડિશનમાં હતા, તેના પર જ બ્લોક રોડ બનાવીને ગૌતમ બારૈયાએ કરોડોના નહીં પણ બહુ મોટા આર્થિક લાભ ખાટી લીધા હોવાની વાત અત્યારે આખા ગામમાં ચર્ચાનો વિષય બની છે. આ ગેરરીતિના વિરોધમાં આજે નવા રતનપર પંચાયત કચેરી ખાતે ગામના લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.


પૈસા ખાવા માટે પ્રજાના નાણાંનો બેફામ બગાડ
પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા પર આરોપ છે કે તેમણે કોઈ પણ જરૂરિયાત વગર માત્ર પોતાની તિજોરી ભરવા માટે જ ગામના રસ્તાઓનું ફરીથી નિર્માણ કર્યું. સારી સ્થિતિમાં રહેલા કોંક્રિટ રોડ ઉપર બ્લોક નાખવાની કામગીરી પાછળનો હેતુ વિકાસ નહીં, પરંતુ કમિશન અને લાંચ રૂશ્વત હતો. આ મામલે અરજદાર બટુક જેઠવા દ્વારા કરવામાં આવેલી અરજી પર તપાસ ચાલી રહી છે, ત્યારે હવે સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે આ બ્લોક રોડને મંજૂરી આપનાર એન્જિનિયર કે સંબંધિત અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં કેટલા હદે સામેલ છે? જો જવાબદાર તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે.


પંચાયતનું શાસન અને શંકાના દાયરામાં રહેલા સભ્યો
ગૌતમ બારૈયા જ્યારે સરપંચ હતા, ત્યારે તેમણે પોતાના અંગત કામ-ધંધા બાજુ પર મૂકીને માત્ર ‘સરપંચગિરી’ કરી પોતાના ખિસ્સા ભર્યા હોવાની વાત હવે સરાજાહેર થઈ ગઈ છે. તેમણે કેટલાક સભ્યો પર કાર્યવાહીના નામે માત્ર દબાણ બનાવી પોતાનું ધાર્યું કરાવ્યું હતું. આજે જ્યારે તેઓ પૂર્વ સરપંચ બની ગયા છે, ત્યારે પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલા ગ્રામજનોમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે, પૂર્વ સરપંચની સાથે છ સભ્યોમાંથી ત્રણ સભ્યો એવા છે જેઓ આ તમામ ભ્રષ્ટાચારમાં સીધી રીતે દાગી છે. જો યોગ્ય તપાસ થાય તો આ ત્રણ સભ્યો પણ ગેરલાયક ઠરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
તપાસના ચક્રો ગતિમાન, સત્ય આવશે બહાર
બટુક જેઠવા દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી અને ગ્રામજનોનો આક્રોશ હવે પરિણામ માંગી રહ્યો છે. ગૌતમ બારૈયા સામે ભ્રષ્ટાચારના જે પુરાવાઓ એકઠા થઈ રહ્યા છે, તે જોતા તેમના માટે બચવું મુશ્કેલ બની રહ્યું છે. પંચાયત કચેરી ખાતે આજે જોવા મળેલા ટોળાએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે હવે ગામની જનતા વિકાસના નામે થતી લૂંટ ચલાવી લેવા તૈયાર નથી.
વહીવટી તંત્ર દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, શું માત્ર પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા પર કાર્યવાહી થશે કે પછી આ કૌભાંડમાં સાથ આપનાર અધિકારીઓ અને પંચાયતના શંકાસ્પદ સભ્યો પણ કાયદાના સકંજામાં આવશે. ગામમાં અત્યારે એક જ માંગ છે: ગૌતમ બારૈયા અને તેમના મળતિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *