ધ ગ્રેટ વર્લ્ડ,

પોરબંદર:
પોરબંદર જિલ્લામાં જુગાર અને સટ્ટા જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત, પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. SOG ની ટીમે બાતમીના આધારે શહેરના જ્યુબિલી બાગ વિસ્તારમાં દરોડો પાડીને IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહેલા એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા હાલમાં રમાઈ રહેલી ટાટા IPL ૨૦૨૪ ની ટૂર્નામેન્ટ દરમિયાન ચાલતા ક્રિકેટ સટ્ટા પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ની ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન, SOG ના એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ ચાઉં અને હેડ કોન્સ્ટેબલ ગોહિલ રાજેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, જ્યુબિલી બાગ પાસે આવેલી કનકાઈ માતાજીના મંદિર વાળી ગલીમાં એક શખ્સ મોબાઈલ ફોન પર IPL ની RCB (રોયલ ચેલેન્જર બેંગલોર) અને DC (દિલ્હી કેપિટલ) વચ્ચે રમાઈ રહેલી ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર રન-ફેર અને હાર-જીતનો સટ્ટો રમી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા, ત્યાથી અનિલ હિરાલાલ મઢવી (રહે. કનકાઈ માતાજીના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલી, પોરબંદર) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક સ્માર્ટફોન મળી આવ્યો હતો, જેમાં તે લાઈવ મેચ જોઈને ઓનલાઈન આઈ.ડી. મારફતે ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે આરોપી અનિલ મઢવી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ ની રોકડ રકમ, રૂપિયા ૩૭,૦૦૦ ની કિંમતનો એક રીયલમી કંપનીનો મોબાઈલ ફોન (કુલ કિંમત રૂપિયા ૪૭,૦૦૦) નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે જેતાભાઈ મોઢવાડિયા (રહે. પોરબંદર) નામના વ્યક્તિ પાસેથી આઈ.ડી. મેળવીને આ ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે જેતાભાઈ મોઢવાડિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
SOG પોલીસે આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. જાડેજા સાથે એ.એસ.આઈ. મહેબૂબખાન બેલીમ, રવિભાઈ ચાઉં, દીપકભાઈ ડાકી, હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા, ભારતસિંહ ગોહિલ, અર્જુનભાઈ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ ભીમાભાઈ ઓડેદરા, દિલીપભાઈ મોઢવાડિયા અને ચંદ્રસિંહ જાડેજા જોડાયા હતા.
