એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સક્રિયતા વધી: ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૫માં ગુનાખોરીના આંકડા અડધા થયા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની રહી હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડા (એસપી) ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસે મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટના બનાવો ડામવામાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા ચાર વર્ષના ડેટાનું વિશ્લેષણ કરતા જણાય છે કે ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે અને પોલીસનો ડિટેક્શન રેટ (ગુના શોધવાનો દર) સતત ઉંચો રહ્યો છે.
ગુનાખોરીમાં વર્ષવાર નોંધપાત્ર ઘટાડો
પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૨માં મિલકત સંબંધી કુલ ૮૯ ગુનાઓ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૩માં ૮૬ અને વર્ષ ૨૦૨૪માં ઘટીને ૮૦ થયા હતા. જોકે, સૌથી મોટો સુધારો વર્ષ ૨૦૨૫માં જોવા મળ્યો છે, જ્યાં આ આંકડો સીધો ઘટીને માત્ર ૫૩ પર પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે એસપી ભગીરથસિંહ જાડેજાના કડક આયોજનને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લાગી છે.
ડિટેક્શન રેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન
માત્ર ગુના ઘટ્યા છે એટલું જ નહીં, પણ નોંધાયેલા ગુનાઓ ઉકેલવામાં પણ પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે:
- વર્ષ ૨૦૨૨: ૭૭.૪% ડિટેક્શન રેટ સાથે ૬૮ ગુનાઓ ઉકેલાયા હતા.
- વર્ષ ૨૦૨૪: ડિટેક્શન રેટ વધીને ૮૨.૫% સુધી પહોંચ્યો હતો.
- વર્ષ ૨૦૨૫: અત્યાર સુધીમાં ૮૧.૧% ના સફળ રેટ સાથે કુલ ૫૩ માંથી ૪૩ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે.
ચોરી અને લૂંટના કેસોમાં પોલીસનો સપાટો
વિગતો મુજબ, વર્ષ ૨૦૨૨માં વાહન ચોરીના ૨૮ કેસ હતા જે ૨૦૨૫માં ઘટીને ૧૭ થયા છે. તેવી જ રીતે ઘરફોડ ચોરીના કેસોમાં પણ ૨૬ થી ઘટીને ૧૫ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં પણ પોલીસની પકડ મજબૂત બની છે, જેના કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં વધારો અને ટેકનોલોજીના ઉપયોગને કારણે અન-ડિટેક્ટ ગુનાઓનું પ્રમાણ પણ ૨૦૨૨માં ૨૧ હતું જે ૨૦૨૫માં ઘટીને માત્ર ૧૦ રહી ગયું છે. પોરબંદર પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિક પ્રજામાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે.
