Headlines

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ


​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે.

ભાજપ માછીમાર સેલ અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ, પોરબંદર સંસ્થાના પ્રમુખ વિશાલભાઈ બાબુલાલ મઢવીએ જિલ્લા પોલીસ અધિક્ષક, પોર્ટ ઓફિસર અને મત્સ્ય ઉદ્યોગ નિયામકને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક સબસ્ટેશન જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ તોડફોડ થવી એ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. જો આ તોડફોડને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે બંદરનો વીજ પુરવઠો ખોરવાય, તો તેની જવાબદારી કોની રહેશે તેવો તીખો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે.

બંદર વિસ્તારમાં માત્ર તોડફોડ જ નહીં, પરંતુ ચોરીના બનાવોમાં પણ ચિંતાજનક વધારો થયો છે. રાત્રિના ૧૨:૦૦ થી વહેલી સવારના ૫:૦૦ વાગ્યા દરમિયાન માછીમારોની હોડીઓ અને બોટમાંથી કિંમતી સાધનો, બોટ એન્જિનના મોંઘા સ્પેરપાર્ટ્સ અને અન્ય માલમત્તાની ચોરી સતત વધી રહી છે. પૂરતી લાઇટિંગ અને સુરક્ષાના અભાવે માછીમારોમાં સતત ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજારો માછીમારોની આજીવિકા આ બંદર સાથે જોડાયેલી છે, ત્યારે તેમની સુરક્ષા રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

માછીમારો દ્વારા તંત્ર સમક્ષ મૂકાયેલી માંગણીઓ

  • હાઈ-વિઝન CCTV કેમેરા: બંદરના તમામ મુખ્ય પ્રવેશદ્વાર, સબસ્ટેશન અને જેટી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે નાઈટ વિઝન ક્ષમતા ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.
  • પોલીસ પેટ્રોલિંગ: રાત્રિના સમયે પોલીસની પીસીઆર વાન (PCR Van) દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે જેથી અસામાજિક તત્વોમાં ફાળ પડે.
  • ચોવીસ કલાક સુરક્ષા: GMB અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ૨૪ કલાક તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે અને તોડવામાં આવેલા દરવાજાનું સત્વરે સમારકામ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *