પોરબંદર સાઇબર ફ્રોડ કેસમાં કચ્છની જેલમાંથી હવાલો મેળવીને ત્રીજા શખ્સની ધરપકડ: અંજારના મંજીતસિંહને ગાંધીધામની ગલપાદર જેલમાંથી પોરબંદર લવાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર પોલીસમાં ડીવાયએસપી ઋતુ રાબાના સીધા સુપરવિઝન નીચે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે નોંધવામાં આવેલી ફરિયાદમાં રજીસ્ટર થયેલ સાયબર ફ્રોડ ગુના અંગેની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી આવી છે અને વધુ એક આરોપી શખ્સની ધરપકડ થઈ છે
આ અંગે કીર્તિ મંદિર પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર રાજેશ દાસના એકાઉન્ટમાંથી ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. પ્રસ્તુત બાબતે એક પછી એક ખાતાઓની તપાસ કરવામાં આવતા મોટી રકમ પૈકીના મેઘપર બોરીચી, તાલુકો અંજાર જીલ્લો કચ્છના રહેવાસી મંજીતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ ઉમર 32 વાળાના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં પણ આવી જ રકમ ટ્રાન્સફર થયેલાનું જાણવા મળેલ. પોરબંદર કોર્ટમાંથી મેળવેલ ટ્રાન્સફર વૉરંટ આધારે તેને ગાંધીધામ ખાતે આવેલી ગલપાદર જેલમાંથી કબજો મેળવીને પોરબંદર લાવી અટક કરવામાં આવેલ છે. મંજીતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ તેના ઓપરેટર ભાવેશગીરી ઇન્દ્રગીરી ગોસ્વામીના સંપર્કમાં આવતાં તે પોતે બેંક એકાઉન્ટો તેને વાપરવા માટે આપ્યા હોવાની હકીકત ઉજાગર થવા પામેલ છે. આ ભાવેશગીરી સામે પૂર્વ કચ્છ ગાંધીધામમાં સાયબર ફ્રોડ અંગેનો ગુનો દાખલ થયેલ છે. તે પોતાના સંપર્કમાં આવતા બેરોજગાર યુવાનોને પૈસા કમાવી આપવાની લાલચ આપીને તેમના ખાતા ખોલાવી પોતાને આપવા માટે સમજાવતો અને એ રીતે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રકમને આવા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો. જેના એટીએમ કે ચેક અને બીજી બેંક ડીટેલ્સ પોતે ઓપરેટ કરતો અથવા આવા ઈસમો પાસે તે ઓપરેટ કરાવતો. ભાવેશગીરી પોતે જોધપુર રાજસ્થાન બાજુનો હોવાનું અને હાલમાં સાવરીયા ધામ સોસાયટી, કિડાણા ગાંધીધામ ખાતે રહેતો હોવાની વિગતો ઉજાગર થવા પામેલ છે. કુલ મળીને સાઈબર ફ્રોડના આ ગુનામાં અત્યાર સુધીમાં આ ત્રીજી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના પાનકાર્ડ અને આધાર કાર્ડની વિગતો આધારે ઇન્કમટેક્સ અને ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટને પણ જાણ કરવા માટે તજવીજ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *