

વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૨
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો.
ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં અગીયાળી જૈન સંઘના પરમ ઉપકારી ગુરુદેવ પ.પૂ. આ. ભ. વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પ.પૂ. આ. ભ. વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. વિધ્ધસેનસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. દેવેન્દ્રસેનવિજય મ.સા. અને સાધ્વીજી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી. ધ્વજ પૂજા: સવારના સમયે દ્વાર ઉદ્ઘાટન અને અષ્ટપ્રકારી ધ્વજ પૂજાના લાભાર્થી માતુશ્રી કુંજાબેન હિમંતલાલ શાહ પરિવારે સંગીતના સૂરાવલી સાથે જિનાલયની ત્રણ પ્રદક્ષિણા કરી દાદાના શિખરે ધ્વજા રોહણ કર્યું હતું.

વધામણા: રંગમંડપમાં ગુરુવધામણાના અનેરા અનુષ્ઠાનનો લાભ પરમ ભક્ત પરેશભાઈ હિમંતલાલ શાહે લીધો હતો. સમગ્ર જૈન સંઘે ખૂબ જ ઉત્સાહપૂર્વક દાદાના વધામણા કર્યા હતા.
અનુષ્ઠાનો: મહોત્સવ અંતર્ગત ૧૮ અભિષેક, રાત્રિ ભાવના, પ્રભુજીની ભવ્ય આંગી (અંગરચના), સાધર્મિક ભક્તિ અને પક્ષાલ-અખંડ દીપક જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

આશીર્વાદ અને પરોપકાર
આ પ્રસંગે પૂજ્ય મહારાજ સાહેબે નવનિર્મિત શિખરબદ્ધ દેરાસરનું કાર્ય નિર્વિઘ્ને અને ઝડપથી પૂર્ણ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. મહોત્સવના ભાગરૂપે જીવદયા હોસ્પિટલ અને સાધર્મિક ભક્તિ તેમજ અનુકંપા દાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
