Friday June 20, 2025

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]]

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!!

પોરબંદર
માધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ નામનો એક યુવક ઇંગ્લિશ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયા બાદ તેની પાસેથી મળેલી કબુલાતના આધારે અબ્દુલને દારૂ આપનાર વિજયના ઘરે રેડ કરતા ત્યાંથી સાડા આઠ બોટલ દારૂ પકડાઈ ગયો હતો. પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે વિજય પોપટને પણ દારૂનો આ જથ્થો પૂરો પાડનાર કોણ હતું ? પોલીસ તેની તપાસ કરી રહી છે. પોરબંદર પોલીસ પગેરું દબાવતા દબાવતા દારૂના મૂળ સુધી પહોંચશે તેની એસપી ભગીરથ સિંહ જાડેજાને ખાતરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે માધવપુર પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ વાળાએ
(૧) અબ્દુલ ઇસ્માઇલ લુચાણી ઉ.વ.૪૫ રહે.માધવપુર ગામ બંદર વિસ્તાર તા.જી.પોરબંદર (૨) વિજય કરશનદાસ પોપટ ઉ.વ.૫૭ રહે.આઝાદ ચોક, માધવપુર સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી અબ્દુલ એ વગર પાસ પરમિટે તેના કબજામાં રૂ 140 ની કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની એક બોટલ રાખી હતી અને તે જાહેરમાંથી પોલીસને મળી આવ્યો હતો. પોલીસની પ્રેમપૂર્વકની પૂછપરછમાં તેણે હળવેકથી કબૂલી લીધું હતું કે ઇંગ્લિશ દારૂનો આ જથ્થો તે માધવપુરના વિજય પોપટ પાસેથી વેચાતો લાવ્યો હતો. અબ્દુલ એ પ્રેમથી આપેલી આ કબુલાતને કારણે પોલીસમાં કુતુહલ જાગી ઉઠ્યું હતું. પોલીસમાં વિજય પોપટ વિશે પણ વધુ જ્ઞાન મેળવવાની તલાવેલી જાગી હતી. વિજય દર્શન માટે પોલીસ ખૂબ પોતાના ખર્ચે તેના ઘરે ગઈ તો પોલીસને ત્યાં 1120ની કિંમતની ઇંગ્લિશ દારૂની 8 બોટલના દર્શન થયા હતા. ગોવાના માર્કા વાળો ઓલ્ડ મોન્ક રમનો આ જથ્થો જોઈને પોલીસની વિજય ના ઘર અંગે વધુ માહિતી મેળવવાની ઈચ્છા પ્રદીપ્ત થઇ ઉઠી હતી. પોલીસની બધી ઈચ્છા પૂરી થાય તેમ નહોતું પરંતુ છેલ્લે છેલ્લે પોલીસને ફોર સેલ ઇન દાદરા નગર હવેલી એન્ડ દમણ, દિવ ઓન્લી માર્કાની શીલ તુટેલ બોટલ (અડધી) મળી આવી હતી. આમ પોલીસે આશરે 1500 નો મુદ્દા માલ કબજે લઈને અબ્દુલ વિજય સામે એફઆઇઆર કરી હતી. તા.૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૨૩/૪૫ વાગ્યે થાણાથી દક્ષિણે આશરે ૨.૫ કી.મી દુર માધવપુર ગામ આઝાદ ચોક તથા આરોપી વિજયનાના રહેણાંક મકાને બનેલી આ ઘટનાની તપાસ જાણીતા જમાદાર એચ.એસ મોઢવાડિયા ને સોંપવામાં આવી છે તેમની પાસેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે જે રીતે અબ્દુલ પાસેથી મળેલી કબુલાતના આધાર પર વિજય નો માલ પકડાયો છે તે રીતે હવે વિજય પોતે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેની કબુલાત મેળવીને એક પછી એક લિંક મેળવતા મેળવતા પોલીસ એક દારૂની ફેક્ટરી સુધીની લીંક મેળવીને બહુ જ મોટા આંતરરાજ્ય દારૂ કૌભાંડનો પર્દાફાશ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top