
– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત –
Kunjan Radiya, જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા 50,000 ની રકમ ઉપાડી લઈ અને છેતરપિંડી સાચવવામાં આવી હોવાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રકરણના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા માટે કરવામાં આવેલી તપાસના અંતે આ પ્રકરણના છેડા નવી મુંબઈ સુધી પહોંચતા પોલીસની ટીમે મહારાષ્ટ્ર ખાતે દોડી જઈ અને એરોલી (નવી મુંબઈ) ખાતે રહેતા લલિત નવારામ પટેલ નામના 26 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસને આ પ્રકરણમાં મળેલી વિગત મુજબ બી.એસ.સી. કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી ચૂકેલા અને હાલ ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી લલિત પટેલ દ્વારા છેલ્લા ત્રણેક માસથી એક એપ્લિકેશન – સોફ્ટવેર બનાવીને મોબાઈલ ઉપયોગકર્તાઓને ઓનલાઈન મેસેજ દ્વારા .એપીકે ફાઇલ મોકલવામાં આવતી હતી. ત્યાર બાદ આરોપી લલિત મોબાઈલધારકના મોબાઈલના તમામ એક્સેસ મેળવી લઈને મોબાઈલમાં રહેલી બેન્કિંગ એપ્લિકેશન, એસએમએસ, કોન્ટેકટ નંબર અને વૉટ્સએપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઈલધારકના બેંક ખાતાઓ તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી જે-તે આસામીઓની જાણ બહાર ટ્રાન્જેક્શન કરીને આ રૂપિયાના ઓનલાઇન ગિફ્ટ વાઉચર ખરીદી લેતો હતો તેમજ ઓનલાઈન વર્ચ્યુઅલ કરન્સી ખરીદી લઈ, આયોજનબધ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.
આ પ્રકરણમાં સાયબર પોલીસે રૂપિયા એક લાખની કિંમતની એપલ કંપનીના બે મેકબુક, રૂપિયા 40 હજારની કિંમતનો આઈફોન તેમજ રૂ. 1,500 ની કિંમતનું વાઇફાઇ રાઉટર કબજે લઈ, અટકાયત કરી, આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)