સરપંચે પોતે પોતાના હાથમાં પાઇપ ધારણ કર્યો અને…
પીજીવીસીએલનું ટીમવર્ક: પીજીવીસીએલની ટીમ ગોસા ગામે વીજ બીલની ઉઘરાણી અને ચેકિંગ કરવા માટે ગઈ હતી
સરપંચનું ટીમ વર્ક : પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા
ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી
પોરબંદર
એક તરફ ભારતીય સમાજમાં સરકારી વીજતંત્ર આડેધડ બિલ ધાબડી દેતું હોવાથી લોકોમાં ભારે હૈયા વરાળ છે ત્યારે પોરબંદર તાલુકાના ગોસા ગામે બનેલી એક ઘટનામાં ગામના સરપંચ અને તેના ચાર માણસોએ વીજ બીલની વસુલાત કરવા માટે ગયેલી પીજીવીસીએલ ટીમ પર લોખંડના પાઇપ વડે હુમલો બોલી દીધો હતો. સરપંચે પોતે જ લોખંડ નો પાઇપ હાથમાં લઈને ધીંગાણું ખોલી લીધું હતું અને તેના માણસોએ પીજીવીસીએલના માણસો ઉપર હુમલો કરવામાં પૂરતો સહકાર આપ્યો હતો. પીજીવીસીએલના માણસો તરફથી જે ફરિયાદ થઈ છે તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સરપંચ અને તેના માણસોએ પીજીવીસીએલ ટીમના માણસોને તેમની બોલેરો ગાડીમાંથી બહાર ખેંચી ખેંચીને છાતી અને મોઢાના ભાગે ઢીકા પાટુ નો માર માર્યો હતો અને પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા હતા. ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સનીકુમાર પ્રફુલભાઈ પરમાર (ઉ.વ.૨૭ ધંધો.નોકરી રહે.માણાવદર, સરદાર નગર સોસાયટી આર.કે. સિલ્વર એપાર્ટમેન્ટની સામે જી. જુનાગઢ)એ (૧)પોલાભાઇ સરપંચ ગોસા ગામ તથા અન્ય ચાર માણસો (જેના નામ નમુદ નથી) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ફરિયાદ અનુસાર ફરિયાદી તથા તેમની સાથેના માણસો તેમની ઉપરની સત્તા દ્વારા સોંપાયેલ બાકી પી.જી.વી.સી.એલ. વીજ બીલ વસુલાત માટેની કાયદેસરની ફરજ બજાવવા માટે આરોપીઓના ગામમાં જતાં આરોપી પોલાભાઈ સરપંચે ફરિયાદીને ભુંડી ગાળો કાઢી લોખંડના પાઈપ વડે માર મારવા દોડી ફરિયાદીનાં મોબાઈલ ફોનમાં રહેલ વિજ ચેકિંગ કામગીરી અંગેના ફોટા ઓડિયો કાઢી નાખી તેમજ અન્ય ચાર માણસોને બોલાવી બધાએ એક સંપ કરી ફરિયાદીને તેની બોલેરો ગાડી નંબર જી.જે.૧૧ વી વી ૩૩૮૦ માંથી બહાર ખેંચી લઈ શરીરે મોઢાના ભાગે તથા છાતીના ભાગે ઢીકા પાટુનો મુંઢ માર મારી ઈજા પહોંચાડી ફરિયાદી તથા તેમની ટીમના માણસો સાથે ગેરકાયદે અવરોધ ઉભો કરી કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી હતી. તા.૨૩/૧/૨૦૨૫ના ૧૧/૦૦ વાગ્યના અરસામાં ગોસા ગામ આરોપીના રહેણાંક મકાન પાસે આવેલ ચાની દુકાન પાસે બનેલી આ ઘટના અંગે નવી બંદર મરીન પોલીસમાં ગુનો દાખલ થતાં પીઆઇ એસએસ ગામેતીએ તપાસ હાથ ધરી છે.