ધીસ ઈઝ ધેટ – નારન બારૈયા
આજના “સ્માર્ટ” જમાનામાં બેસીને જ્યારે કોઈ એવું કહે કે “પહેલાના રાજાઓ ડરપોક હતા એટલે ૨૪ કલાક તલવાર સાથે રાખતા,” ત્યારે હસવું રોકવું મુશ્કેલ છે. સાહેબ, એ ડર નહોતો, એ તો એ જમાનાનું ‘વાય-ફાય’ હતું જેની રેન્જમાં આખું રાજ્ય રહેતું! વિશ્વ વિજેતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું એક અમર વાક્ય આજે પણ નેતૃત્વની સાચી વ્યાખ્યા સમજાવે છે: “I am not afraid of an army of lions led by a sheep; I am afraid of an army of sheep led by a lion.” એટલે કે, જો નેતા સિંહ જેવો હોય, તો ઘેટાંની સેના પણ જંગ જીતી શકે છે. પણ સિંહ જેવો નેતા બનવા માટે કમરે ‘લોખંડનું વજન’ પણ વેઠવું પડતું.
જરા કલ્પના કરો, અત્યારે આપણે ખિસ્સામાં ‘આઈફોન’ લઈને ફરીએ છીએ, એ વખતે એ લોકો કમરે ‘આઈ-તલવાર’ લટકાવીને ફરતા. એ કઈ માત્ર લડવા માટે નહોતી, એ તો એમનું ‘મલ્ટી-પર્પઝ ગેજેટ’ હતું! સફરજન કાપવા માટે ચપ્પુ શોધવા જવું કે પીઠ પાછળ આવતી ખંજવાળ મિટાવવા રત્નજડિત મ્યાનનો ઉપયોગ કરવો—આ બધું જ પર્સનલ હાઈજીનનો ભાગ હતું. અરે, એલેક્ઝાન્ડરની જ એક ભરી સભાનો કિસ્સો લો. એક વાર એક વિરોધીએ વિચાર્યું કે રાજા અત્યારે હાર-તોરા પહેરવામાં વ્યસ્ત છે, તો લાગ જોઈને હુમલો કરી દઈએ. પણ જેવો પેલો નજીક આવ્યો, એલેક્ઝાન્ડરે એક હાથે ફૂલહાર સ્વીકાર્યો અને બીજા હાથે કમરે લટકતી તલવાર એવી સટાક દઈને વીંઝી કે હુમલાખોરના મનમાં વિચાર આવે એ પહેલાં તો એની પાઘડી હવામાં ઉડતી હતી! એલેક્ઝાન્ડરે હસતા હસતા કહ્યું, “ભાઈ, આ તલવાર કાટ ખાવા નથી રાખી, તારા જેવા ‘નવા નિશાળિયા’ને પાઠ ભણાવવા રાખી છે!”
વિચાર કરો, જો એ વખતે એલેક્ઝાન્ડર પાસે તલવાર ન હોત અને એણે સેનાપતિને કહ્યું હોત કે “જાઓ, શસ્ત્રાગારમાંથી લાયસન્સવાળી તલવાર શોધી લાવો,” તો પેલો હુમલાખોર તો ક્યારનોય ‘ટાટા-બાયબાય’ કરી ગયો હોત! આજે આપણે રાજાઓને ડરપોક કહીએ છીએ, પણ આપણે પોતે બાથરૂમમાં પણ ‘સ્માર્ટફોન’ વગર જઈ શકતા નથી! આપણને કોનો ડર છે? દુશ્મનનો કે નોટિફિકેશન ચૂકી જવાનો? રાજાની તલવાર તો મ્યાનમાં રહેતી, આપણું ‘હથિયાર’ (ફોન) તો ૨૪ કલાક ખુલ્લું જ હોય છે. ટૂંકમાં, ઈ.સ. પૂર્વે ૩૫૬માં જન્મેલા એલેક્ઝાન્ડરને એરિસ્ટોટલે ભલે વિજ્ઞાન અને રાજનીતિ શીખવી હોય, પણ પોતાની કમરે લટકતી તલવાર રાખવાની જે ‘સ્માર્ટ ગિરિ’ હતી, એ જ એમને મહાન બનાવતી હતી. સાચું નેતૃત્વ હિંમત અને કમરે લટકતા એ ‘સેલ્ફ-ડિફેન્સ’ના સાધન વગર અધૂરું હતું!
