Headlines

નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને આપખુદશાહીના આક્ષેપો: સરપંચ ગૌતમ બારૈયાને પદ પરથી દૂર કરવા DDOને રજૂઆત: જેની જુગલબંધી માં ભ્રષ્ટાચાર થયો હતો તે તલાટી મંત્રી દલસુખ જાની સામે પણ પગલાં લેવા માગણી



​માસિક બેઠકો ન બોલાવવી, બ્લોક અને સ્ટ્રીટ લાઈટના કામોમાં નાણાકીય ગેરરીતિઓ તેમજ સભ્યોને ધમકી આપવાના ગંભીર આરોપોથી ચકચાર


​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કથિત આપખુદશાહી, નાણાકીય ભ્રષ્ટાચાર અને પંચાયતના નિયમોના ઉલ્લંઘન મામલે ગ્રામજનો અને પંચાયતના સભ્યોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નવા રતનપર ગામના વતની અલ્પેશ બારૈયા દ્વારા આ અંગે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને એક લેખિત ફરિયાદ સોંપીને સરપંચને તાત્કાલિક અસરે પદ પરથી દૂર કરવા અને પંચાયત મંત્રી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 હેઠળ સરપંચ સામે પગલાં લેવાની માંગ ઉઠતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


​નિયમિત માસિક બેઠકો ન બોલાવી પંચાયત ધારાનો ભંગ કર્યાનો આરોપ
​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા દ્વારા પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પંચાયત ધારા મુજબ દર મહિને પંચાયતના સભ્યોની માસિક બેઠક બોલાવવી અનિવાર્ય હોય છે, પરંતુ સરપંચ દ્વારા સતત બે મહિના (માર્ચ અને એપ્રિલ) સુધી કોઈ પણ પ્રકારની માસિક બેઠક અથવા મીટિંગ બોલાવવામાં આવી નથી. પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કે તેમની બહાલી (સહમતિ) મેળવ્યા વિના જ સરપંચ પોતાની મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. બેઠકો ન યોજાવાના કારણે ગામના વિકાસના કામો જેવા કે રમતગમતનું મેદાન અને આરોગ્ય કેન્દ્રની જગ્યાની ફાળવણી સહિતના મહત્વના ઠરાવો અટકી પડ્યા છે, જેનાથી ગ્રામવિકાસ રૂંધાયો છે.


​સીસીટીવી ફૂટેજ ડિલીટ થાય તે પહેલા તપાસ કરવાની માંગ
​અરજીમાં એવો પણ ગંભીર આક્ષેપ કરાયો છે કે અવિશ્વાસના પ્રસ્તાવની બેઠક અને તેની આસપાસ બનેલી તમામ ધમકીઓ તેમજ ગેરવર્તણૂકની ઘટનાઓ પંચાયત ભવનની બહાર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં ઓડિયો અને વીડિયો સાથે રેકોર્ડ થયેલી છે. આ ફૂટેજ જ્યારે સભ્યો દ્વારા માંગવામાં આવ્યા ત્યારે સરપંચે ધાકધમકી આપીને ફૂટેજ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે પુરાવાનો નાશ કરવા માટે આ સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવી શકે છે. આથી ટાઇમ લિમિટ સ્ટોરેજમાંથી આ ફૂટેજ ગાયબ થાય તે પહેલાં જ ઉચ્ચ સ્તરેથી તેને મંગાવી લઈ, સમગ્ર મામલાની તટસ્થ અને પૂર્ણ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. આ ફરિયાદની નકલ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.


​સીસી રોડ ઉપર બ્લોક નાખીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ
​ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં સરપંચ અને પંચાયત મંત્રીની મિલીભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. ફરિયાદ અનુસાર, એટીવીટી (ATVT) યોજના હેઠળ સીસી રોડ (RCC) મંજૂર થયો હતો, પરંતુ સરપંચ દ્વારા નિયમોને નેવે મૂકીને સીસી રોડની ઉપર જ બ્લોક બેસાડવાનું કામ કરવામાં આવ્યું હતું. આ કામમાં એટલી હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હતી કે બ્લોક નાખ્યાના માત્ર એક જ મહિનાની અંદર તમામ બ્લોક જમીન પરથી ઉખડી ગયા હતા.
​પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ જ્યારે આ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો અને કામની પૂર્ણતા ન થાય કે મેઝરમેન્ટ બુક તેમજ એસ્ટીમેટ પ્રમાણે ચકાસણી ન થાય ત્યાં સુધી પેમેન્ટ ન કરવાની દરખાસ્ત કરી, ત્યારે સરપંચે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો કે, “ત્યાં બ્લોક અને સીસી રોડ બંને મંજૂર થયા છે અને મારે સભ્યોને પૂછવાની કોઈ જરૂર નથી, સરપંચ કોણ છે હું છું કે તમે?” વધુમાં, ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા ગ્રામજનોને એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવા છતાં આ ભ્રષ્ટાચારી કામોનું ચૂકવણું કરી દેવાયું છે.
​સરપંચના આવા જોહુકમીભર્યા અને ભ્રષ્ટ વર્તનથી કંટાળીને પંચાયતના સભ્યો દ્વારા તેમની વિરૂદ્ધ કાયદેસરનો અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પંચાયતના કુલ 9 સભ્યોમાંથી 6 સભ્યોની બહુમતી પ્રસ્તાવની તરફેણમાં હતી, પરંતુ મીટિંગના દિવસે સરપંચના સગા કાકા (જે પંચાયતના સભ્ય છે) તેમને પંચાયત ભવનના દરવાજા બહાર જ ઉભા રહીને એવી ધમકી આપી હતી કે “જો કોઈ સભ્ય અંદર જશે તો હું આત્મહત્યા કરી લઈશ.”
​આ પ્રકારની માનસિક હેરાનગતિ અને આત્મહત્યાની ખોટી ધમકીના કારણે પંચાયતના સભ્યો ભયના માર્યા મીટિંગમાં અંદર જઈ શક્યા નહોતા. ઉપરાંત પંચાયતની બહાર સભ્યો અને ગ્રામજનોને ખોટા કેસોમાં ફસાવી દેવાની ખુલ્લી ધમકીઓ આપી ગાળો બોલવામાં આવી હતી. પરિણામે, 9 માંથી 2 સભ્યો હાજર ન રહી શકતા નિયમ અનુસાર જરૂરી 2/3 (બે-તૃતીયાંશ) બહુમતી ન મળવાના કારણે અવિશ્વાસનો પ્રસ્તાવ નાંમજૂર થયો હતો.
​સ્ટ્રીટ લાઈટના ખરીદી કૌભાંડમાં પંચાયત મંત્રીની સંડોવણીના આક્ષેપો
​ભ્રષ્ટાચારની યાદી આટલેથી જ અટકતી નથી, ગ્રામ પંચાયતમાં સભ્યોની સહમતિ કે ચર્ચા-વિચારણા વગર જ મનસ્વી રીતે સ્ટ્રીટ લાઈટોની ખરીદીનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જે સ્ટ્રીટ લાઈટ બજારમાં અંદાજે 1000 રૂપિયાના ભાવે સરળતાથી મળી રહે છે, તેના પંચાયતના ચોપડે 2500 રૂપિયા દર્શાવીને મોટા પાયે નાણાકીય ઉચાપત કરવામાં આવી છે. આ કૌભાંડમાં પંચાયતના મંત્રી દલસુખભાઈ જાનીની મેલી મુરાદ અને સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
​આ ભ્રષ્ટાચારની વિગતો સભ્યોના ધ્યાને આવતા જ પંચાયત મંત્રીએ પોતાની બદલી કરાવી લીધી હતી. ગ્રામજનોએ ડીડીઓ સમક્ષ માંગ કરી છે કે નવા રતનપર ગ્રામ પંચાયતની ગરિમા પુનઃ સ્થાપિત કરવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરપંચ અને પંચાયત મંત્રી બંનેને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી દૂર કરી કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *