દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
રાજ્યના વિશાળ દરિયા કિનારા તથા તેને સ્પર્શતા જમીની વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સીમાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખ અને પી.એસ.આઈ. આર.કે. જાડેજાની આગેવાનીમાં મરીન કમાન્ડોની ટીમ દ્વારા શુક્રવારે દ્વારકા અને આસપાસના ઓખામંડળ – પંથકના વિસ્તારો કેમ્પ સાઇટ, ડન્ની પોઈન્ટ, અભ્યાય માતા, એન.સી.સી. કેમ્પ, બેટ દ્વારકા કોસ્ટલ એરીયા, પેસેન્જર જેટી, કનકાઈ જેટી, ટાઈગર પોઈન્ટ, નેતરનો પુલ, મીઠાપુર ચોપાટી, રોજીબેટ, સલાયા બંદર, વાડીનાર તેમજ ઓખામઢી વિગેરે દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
આ પેટ્રોલીંગ એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.



