Headlines

આજે ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં શાળાઓમાં રજા જાહેર


સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય

ધ ગ્રેટ વર્લ્ડ, સુરત

હવામાન વિભાગ દ્વારા તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી ગણીને સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ હેઠળ આવતી શાળાઓ તથા આંગણવાડીઓમાં તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ માટે સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિ અને વિદ્યાર્થીઓની અવરજવરની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાના આચાર્યોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. આચાર્યોએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમને શાળાએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો અંતિમ નિર્ણય લેવાનો રહેશે. ભારે વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ સતર્કતા દાખવવામાં આવી છે. તમામ આચાર્યો અને સંચાલકોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને સ્થિતિ પર નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *