પોરબંદર જિલ્લાની પ્રથમ સંસ્થા તરીકે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનું ગૌરવપૂર્ણ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં વર્ષોથી અબોલ જીવોની સેવાના જે દીવાઓ નિઃસ્વાર્થ ભાવે ટમટમી રહ્યા હતા, તે હવે એક રાષ્ટ્રીય સ્તરના પ્રકાશમાં પરિણમ્યા છે. પોરબંદરમાં લાંબા સમયથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના ઘાયલ અને જરૂરિયાતમંદ મૂંગા જીવોની સેવા કરતી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે એડબલ્યુબીઆઈ તરફથી સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર સંસ્થા તરીકે આ ગૌરવ હાંસલ કરનાર ટ્રસ્ટ માટે આ સિદ્ધિ ખરેખર મૂંગા જીવોના આશીર્વાદ સમાન છે. આ ઘટના માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર જિલ્લા માટે એક ગર્વની ક્ષણ છે. અબોલ જીવોની સેવામાં દિવસ-રાત એક કરી દેનાર આ ટ્રસ્ટના પ્રમુખ નેહલ કારાવદરાએ આ સિદ્ધિ બદલ ભાવુક થઈને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

નેહલ કારાવદરાએ વધુમાં જણાવ્યું હતું કે આ માન્યતા પ્રાપ્ત થવાથી ઉદય કારાવદરા ટ્રસ્ટ પોરબંદર જિલ્લાની એડબલ્યુબીઆઈ માન્યતા પ્રાપ્ત પ્રથમ અને એકમાત્ર પ્રાણી કલ્યાણ સંસ્થા બની છે. આ સિદ્ધિ માત્ર અમારા ટ્રસ્ટની નથી, પરંતુ આ સમગ્ર પોરબંદર જિલ્લાની અને તમામ પ્રાણી પ્રેમીઓના અતૂટ પ્રેમની જીત છે. અમારું ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલા ગાય, કૂતરા અને પક્ષીઓને રેસ્ક્યુ કરીને તેમની સારવાર, પુનઃવસન અને સમાજમાં કરુણાનો સંદેશ ફેલાવવાનું કામ કરી રહ્યું છે. વરસાદ હોય કે કાળઝાળ ગરમી, ટ્રસ્ટના સ્વયંસેવકો રાતના સમયે પણ ફોન આવતા જ મદદ માટે દોડી જાય છે, કારણ કે તેમના માટે આ માત્ર ફરજ નથી પણ ઈશ્વરની સેવા છે. આ સેવાભાવી કાર્યો અને દિવસ-રાતની મહેનતને કારણે આજે સંસ્થાને એડબલ્યુબીઆઈ દ્વારા સત્તાવાર માન્યતાનો મુગટ પહેરાવવામાં આવ્યો છે.

ટ્રસ્ટના હોદ્દેદારોએ આ સિદ્ધિને ટ્રસ્ટના તમામ શુભેચ્છકો, દાતાઓ, સ્વયંસેવકો અને અબોલ જીવોને ચાહનાર દરેક નાગરિકના વિશ્વાસ અને સહયોગનું પરિણામ ગણાવ્યું હતું. આ ઐતિહાસિક અવસરે ટ્રસ્ટે હૃદયપૂર્વક વિશેષ આભાર વ્યક્ત કરતા નેહલ કારાવદરાએ નાયબ પશુનિયામક હાર્દિક બેગડીયાનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે હંમેશા વહીવટી માર્ગદર્શન આપીને દરેક તબક્કે સહયોગ પૂરો પાડ્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં સતત સેવા આપતા પશુચિકિત્સક વિજય ખૂંટીનો પણ આભાર માન્યો હતો, જેઓ નિઃસ્વાર્થ ભાવે ઘાયલ જીવોની સારવાર કરીને તેમને નવું જીવન બક્ષી રહ્યા છે. સાથે જ પોરબંદર વેટરનરી ઑફિસર ભરત રાતીયાના સતત સહયોગ અને પ્રોત્સાહનને પણ સંસ્થાએ બિરદાવ્યું હતું, જેમના માર્ગદર્શનથી સેવાની પ્રવૃત્તિઓ વધુ મજબૂત બની છે.

સંસ્થાના પ્રમુખ અને સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ માન્યતા અમારા માટે કોઈ અંત નથી, પરંતુ એક નવી સફરની શરૂઆત છે. આ માન્યતા અમને વધુ જવાબદારી, વધુ સમર્પણ અને વધુ સેવા કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. અમારો સંકલ્પ અટલ છે કે આવનારા સમયમાં વધુને વધુ અબોલ જીવોના જીવનમાં પ્રેમ, સુરક્ષા અને આશાનો પ્રકાશ લાવવો. અંતમાં ટ્રસ્ટે ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સહયોગ વિના આ સફર ક્યારેય શક્ય બની હોત નહીં. તેથી સૌ સાથે મળીને માનવતા અને કરુણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીએ તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
નેહલ કારાવદરાએ ખાસ કરીને પોરબંદરના પત્રકાર મિત્રોનો આભાર માનતા જણાવ્યું હતું કે આપણી જાગૃતિ, લેખ અને સહકારને કારણે જ અમારી સંસ્થાની પ્રવૃત્તિઓ ઘર-ઘર સુધી પહોંચી છે. મીડિયાએ જે અવાજ આપ્યો તેના કારણે જ આજે અમને રાષ્ટ્રીય કક્ષાની ઓળખ અને માન્યતા મળી છે. પોરબંદરના મીડિયાના સાથ અને સહકાર બદલ અમે હંમેશા ઋણી રહીશું તેમ જણાવીને અંતમાં સૌનો ફરી એકવાર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



