Headlines

ગુજરાતમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ



રાજ્યના ૧૭ જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી સજ્જ કરી જનભાગીદારી વધારાઈ

જનક દેસાઈ, ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપદા મિત્ર પ્રોજેક્ટને વ્યાપક વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વટવૃક્ષ બનીને ગામ અને શહેરોમાં આપત્તિ સમયે મહત્વની સેવા આપી રહી છે. હાલમાં કાર્યરત યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત રાજ્યના ૧૭ જિલ્લાઓ માટે એનસીસી, એનએસએસ, એમવાયબી અને બીએસ એન્ડ જી ના કુલ ૧૧,૮૫૦ સ્વયંસેવકોના લક્ષ્યાંક સામે પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૪,૫૨૬ યુવાનોને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ગાંધીનગરની યાદી મુજબ, આ યોજના હેઠળ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે તેમની ૫૦ ટકા ભાગીદારીનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.


આપદા મિત્ર એ સામાજિક કક્ષાએ શારીરિક અને માનસિક રીતે સક્ષમ એવા ૧૮ થી ૪૦ વર્ષના સ્થાનિક યુવા સ્વયંસેવકોનું જૂથ છે, જેઓ આપત્તિના સમયે ત્વરિત બચાવ કામગીરી કરવા માટે તૈયાર રહે છે. અગાઉ અપ સ્કેલિંગ ઓફ આપદા મિત્ર સ્કીમ અંતર્ગત ૧૭ જિલ્લાના ૫,૫૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મારફત ૧૨ દિવસની તાલીમ આપવામાં આવી હતી. વર્તમાન યોજનામાં પ્રથમ ચરણમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૦૭ દિવસની તાલીમ અપાય છે અને બીજા ચરણમાં એસપીઆઈપીએ મારફત એડવાન્સ તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.


બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ પામેલા આપદા મિત્રોને ૧૦ હજારની કિંમતની ઇમરજન્સી રિસ્પોન્ડર કીટ આપવામાં આવે છે, જેમાં લાઇફ જેકેટ, સોલાર ટોર્ચ, ફર્સ્ટ એઇડ કીટ, હેલ્મેટ અને ૫૦ મીટર લાંબુ ડિફેન્સ ક્વોલિટી દોરડું જેવી ૧૫ અનિવાર્ય વસ્તુઓ સામેલ છે. જિલ્લા કક્ષાએ આપત્તિ સમયે મોટા પાયે ઓપરેશન ચલાવવા માટે ૧૯ લાખની કિંમતની ઈમરજન્સી રિસ્પોન્સ કીટ પણ રિઝર્વ રાખવામાં આવે છે, જેમાં અદ્યતન ઈન્ફ્લેટેબલ રેસ્ક્યૂ બોટ, ચેન સો મશીન, સેટેલાઇટ જીપીએસ અને વોકી-ટોકી જેવા સાધનો હોય છે. તાલીમ માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ, જોકે ભૂતપૂર્વ સૈનિક, નિવૃત્ત તબીબી વ્યાવસાયિકો અને સિવિલ એન્જિનિયરો માટે વય મર્યાદામાં છૂટછાટ અપાઈ છે. ઉમેદવાર સંબંધિત જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ અને ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ હોવો જરૂરી છે. પ્રોત્સાહનના ભાગરૂપે તાલીમ બાદ પ્રમાણપત્ર અને ઓળખપત્ર તેમજ સામાજિક સુરક્ષા માટે પાંચ વર્ષ સુધી ૦૫ લાખનું વિમા કવચ આપવામાં આવે છે.
ભૂતકાળમાં કોવિડ-૧૯ મહામારી અને વર્ષ ૨૦૨૦ના ભારે પૂરમાં ભરૂચ જિલ્લાના આપદા મિત્રોએ વહીવટી તંત્ર સાથે મળીને પ્રશંસનીય કામગીરી કરી હતી. કોઈ પણ આપત્તિના સમયે નાગરિકો જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરી મદદ મેળવી શકે છે. જિલ્લા કક્ષાએ આ સેન્ટર દ્વારા આપદા મિત્રોની સંપૂર્ણ સંપર્ક સૂચિ નિભાવવામાં આવે છે અને જરૂર પડ્યે તેમનો સંપર્ક કરીને તાત્કાલિક મદદ લેવામાં આવે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *