Thursday August 07, 2025

રાજકોટ જિલ્લામાં જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ ગ્રાહકોનું રજિસ્ટર નિભાવવા સૂચના

રાજકોટ
આતંકવાદી કૃત્યો તેમજ ગુનાખોરીમાં જૂના ખરીદાયેલા અથવા તો ચોરાયેલા મોબાઈલનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમએ જૂના મોબાઈલ લે-વેચ અંગે ફરમાન જારી કર્યા છે.
જે મુજબ, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે તો જે-તે ગ્રાહકનું પૂરું નામ, સરનામું તથા ફોટો આઈ.ડી. પ્રૂફ ફરજીયાત મેળવવાના રહેશે. જૂના મોબાઈલ વેચતા દુકાનદારે જરૂરી માહિતી સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ રજિસ્ટર તપાસનીશ એજન્સી માગે ત્યારે રજૂ કરવાનું રહેશે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નવા સીમકાર્ડનું વેચાણ કરતી વખતે પણ રજિસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સીમકાર્ડ ખરીદનારના આઈ.ડી.પ્રૂફની નકલ મેળવવાની રહેશે.
જૂના મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે નિભાવવાના રજિસ્ટરમાં મોબાઈલની વિગત/કંપની, આઈ.એમ.ઈ.આઈ. નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું સરનામું, આઈડીપ્રૂફની વિગતો હોવી જરૂરી છે.
ઉપરાંત નવું સીમકાર્ડ વેચતી વખતે રજિસ્ટરમાં સીમકાર્ડની વિગત-કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારનું નામ-સરનામું, ખરીદનારનું આઈડીપ્રૂફ, ખરીદનારની સહીની વિગતો દર્શાવવી પડશે. આ રજિસ્ટર દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે. આ હુકમ રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top