મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં રોટરી ક્લબ, એસબીઆઈ બેન્ક અને સખી મંડળના સહયોગથી શરૂ કરાયું કેન્દ્ર
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ એવા સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિના માર્ગદર્શન અને પ્રેરણાથી શરૂ કરાયેલા આ સેવા કાર્યમાં સેવાભાવી સંસ્થા રોટરી ક્લબનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઉનાળાના દિવસોમાં શહેરમાં પસાર થતા શ્રમિકો, મુસાફરો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ઠંડક અને તાજગી મળે તે હેતુસર દરરોજ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવશે.

સુદામા ચોક ખાતે સુદામા મંદિરના ગેટ પાસે શરૂ કરાયેલા આ કેન્દ્રમાં સખી મંડળની બહેનો દ્વારા નિયમિત સેવા આપવામાં આવશે. મહિલાઓની સક્રિય ભાગીદારીથી આ સેવાકીય કાર્યને વધુ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી, મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, રોટરી ક્લબના પ્રતિનિધિઓ, એસબીઆઈ બેન્કના સ્ટાફ સભ્યો, સખી મંડળની બહેનો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ ઉનાળાના કપરા સમયમાં આ પ્રકારની જનસેવા ખૂબ જ ઉપયોગી બની રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ નાગરિક હિતને ધ્યાનમાં રાખી વિવિધ સેવાકીય અને જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
