
– હાલ જિલ્લાની પ્રથમ નંબરની ઓખા પાલિકા હવે ત્રીજા નંબરે –
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી 69 જેટલી નગરપાલિકાઓના ગ્રેડ વધારવાના નિર્ણયમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓને એક સાથે સી ગ્રેડમાંથી સીધા જ એ ગ્રેડમાં મુકાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકા વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
સરકારની નવી ગાઈડલાઈન મુજબ જિલ્લાના મુખ્ય મથક તરીકે ખંભાળિયા જે અગાઉ સી ગ્રેડની નગરપાલિકામાં હતી, તેને બી નહીં પરંતુ સીધા જ એ ગ્રેડની નગરપાલિકામાં લેવામાં આવી છે. જ્યારે દ્વારકામાં દરરોજ હજારો યાત્રિકો મુસાફરો આવતા હોય, દ્વારકા નગરપાલિકા પણ અગાઉ સી ગ્રેડની પાલિકા હતી તેને પણ એ ગ્રેડની નગરપાલિકામાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 ની વસ્તી ગણતરીમાં ખંભાળિયાની વસ્તી 41,000 અને દ્વારકાની વસ્તી માત્ર 38,000 ની હતી. અ વર્ગની નગરપાલિકા બનવા માટે એક લાખથી વધુ વસ્તી હોવી અનિવાર્ય છે. પરંતુ સરકારના નવા પરિપત્રથી તેમજ ખંભાળિયા નજીક આવેલી જુદી જુદી ગ્રામ પંચાયતના વિસ્તારોને શહેરમાં જોડવાનું નક્કી થયેલ હોય, આ બંને નગરપાલિકા હવે એ ગ્રેડની બની ગઈ છે.
– હાલારમાં માત્ર દ્વારકા જિલ્લામાં એ ગ્રેડની બે નગરપાલિકા: કરોડો રૂપિયાની મળશે ગ્રાન્ટ –
રાજ્ય સરકારના આ નિર્ણયથી ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકામાં સરકાર દ્વારા મોટી સંખ્યામાં વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે તથા ખાસ કિસ્સામાં પણ મોટી સંખ્યામાં ગ્રાન્ટ મળશે. જૂની જોગવાઈઓમાં સી ગ્રેડની નગરપાલિકાઓ ખંભાળિયા અને દ્વારકાને વાર્ષિક રૂપિયા આઠેક કરોડની ગ્રાન્ટ મળતી. પણ હવે આગામી સમયમાં એ વર્ગની આ બંને નગરપાલિકાઓને વાર્ષિક રૂપિયા 28-28 કરોડની ગ્રાન્ટ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાલાર પંથકમાં સૌથી વધુ છ નગરપાલિકાઓ દ્વારકા જિલ્લામાં છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા અ વર્ગની તથા ઓખા બ વર્ગની જ્યારે સલાયા, જામ રાવલ અને ભાણવડ ક વર્ગની છે. જામનગર જિલ્લામાં જામજોધપુર, સિક્કા, ધ્રોલ અને કાલાવડ ચાર નગરપાલિકા છે. જે તમામ નગરપાલિકાઓ ક વર્ગની છે.
આમ, નાનકડા એવા દ્વારકા જિલ્લામાં બે-બે નગરપાલિકાઓ આ વર્ગની પાલિકા ધરાવતો થઈ ગયો છે. જામનગર, વડોદરા, મોરબી સુરત, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા જિલ્લાઓ એવા છે, જ્યાં અ વર્ગની નગરપાલિકા એક પણ નથી !!!
ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાનો ગ્રેડ વધે તે માટેના કરવામાં આવેલા ખાસ પ્રયાસો સફળ રહ્યા છે.

(ફોટો:- કુંજન રાડિયા)