ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
માધવપુર ઘેડના કડછ ગામમાં એક વૃદ્ધા પર જીવલેણ હુમલો થયો છે. આરોપી એભા જોધાભાઈ કડછા (રહે. કડછ ગામ, પોરબંદર, ઉંમર વર્ષ: ૪૦) એ તેના જ ગામના રહેવાસી ઝાઝીબેન (ઉંમર વર્ષ: ૫૯) નામના વૃદ્ધા પર એવા વહેમમાં હુમલો કર્યો હતો કે વૃદ્ધાએ તેના પર તાંત્રિક વિધિ કરીને તેનું ઘર બરબાદ કર્યું છે. આરોપીએ લાકડાના પાતળા પાયા (ઘોડિયાનો પાયો) વડે વૃદ્ધાને માથા અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
માધવપુર પોલીસના એક અહેવાલ અનુસાર, વૃદ્ધાને ગંભીર ઈજાઓને કારણે શરીરે અનેક ટાંકા આવ્યા છે અને હાડકામાં ફ્રેક્ચર થયું છે. આરોપીએ હુમલો કર્યા બાદ વૃદ્ધા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે બી.એન.એસ. ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
