Headlines

આલ્ફા વિદ્યા સંકુલ-વરલ શાળાના વિદ્યાર્થીની સંઘર્ષમાંથી સર્જાયેલી સિદ્ધિ : કુંભાર પરિવારના દીકરાએ મેળવ્યું ઉત્કૃષ્ટ પરિણામ


આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ – પાર્થ વિદ્યાલય, વરલ ખાતે અભ્યાસ કરતા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)ના વિદ્યાર્થી ધંધુકિયા આશિષ ભરતભાઈ (ગામ-અનીડા ડેમ)એ શાળામાં પ્રથમ ક્રમાંક સાથે 98.50 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવાર, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે.

આશિષ ધંધુકિયા ખૂબ જ સામાન્ય અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કરીને આ સફળતા મેળવી છે. આશિષની આ સિદ્ધિ આજે અનેક ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.આશિષનો પરિવાર માતા-પિતા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં માટીકામ અને ઈંટોના ભઠ્ઠા સાથે સંકળાયેલા મજૂરી કામ કરે છે. રોજીરોટી માટે વતનથી દૂર મહેનત કરતો આ પરિવાર શિક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવે છે.

આશિષના પિતા માત્ર 2 ધોરણ સુધી અભ્યાસ કરેલા છે જ્યારે માતા 5 ધોરણ સુધી ભણેલા છે. ઓછું શિક્ષણ અને મજૂરી આધારિત જીવન હોવા છતાં પોતાના દીકરાને આગળ વધારવાની એમની ઇચ્છાએ આજે એક સુંદર પરિણામ આપ્યું છે.

માતા-પિતાથી દૂર રહીને આશિષ પોતાના વતન અનિડા ખાતે દાદા-દાદી સાથે રહેતો હતો અને છેલ્લા 2 વર્ષથી આલ્ફા વિદ્યા સંકુલ-વરલ ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારથી દૂર રહીને પણ પોતાના લક્ષ્ય પ્રત્યે સતત એકાગ્ર રહેવું એ તેની સૌથી મોટી શક્તિ બની.

આશિષ જણાવે છે કે તેણે શરૂઆતથી જ એક ચોક્કસ ગોલ નક્કી કર્યો હતો અને એ ગોલ સુધી પહોંચવા માટે સતત નિયમિત મહેનત કરી. “ધીરજ, નિયમિત અભ્યાસ અને એકાગ્રતા” એ તેની સફળતાના ત્રણ મુખ્ય આધારસ્તંભ રહ્યા હોવાનું તેણે જણાવ્યું હતું.

નિયમિત વાંચનની ટેવ પણ આશિષને આ સફળતા સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. દરરોજ સમયસર વાંચન,લેખન અને પુનરાવર્તનની ટેવના કારણે તે અભ્યાસમાં સતત આગળ વધતો ગયો.

શાળાના શિક્ષકો જણાવે છે કે આશિષ ખૂબ જ શાંત, સંસ્કારી અને મહેનતુ વિદ્યાર્થી હતો. તેણે પોતાના દરેક કામ ખૂબ જ ચીવટ અને જવાબદારીપૂર્વક કર્યા હતા. વર્ગખંડમાં તેની એકાગ્રતા અને નિયમિતતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ હતી.

આલ્ફા વિદ્યા સંકુલ વરલ ખાતે મળેલું શૈક્ષણિક વાતાવરણ અને શિક્ષકોનું વ્યક્તિગત માર્ગદર્શન પણ આશિષની સફળતામાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયું. દરેક વિષયમાં શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.

આશિષે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકગણે માત્ર ભણતર પૂરતું નહીં પરંતુ જીવનમાં ધ્યેય નક્કી કરીને આગળ વધવાની પ્રેરણા પણ આપી. “હંમેશા ધ્યેય સાથે વળગી રહીને મહેનત કરતા રહો” – શિક્ષકોની આ વાત તેણે જીવનમાં ઉતારી હતી.

એક સામાન્ય કુંભાર પરિવારનો દીકરો આજે ઉચ્ચ PR સાથે સફળતા પ્રાપ્ત કરે છે એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ ગ્રામ્ય સમાજ માટે આશાનું પ્રતિક છે. સંજોગો ભલે કઠિન હોય, પરંતુ મહેનત અને યોગ્ય માર્ગદર્શન મળે તો સફળતા ચોક્કસ મેળવી શકાય છે – એ આશિષે સાબિત કર્યું છે.

આ સફળતાથી પરિવારજનોમાં પણ આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. મજૂરી કરીને પોતાના સંતાનોને ભણાવતા માતા-પિતાની વર્ષોની મહેનત આજે ફળીભૂત થઈ છે.

આલ્ફા વિદ્યા સંકુલ-વરલના સંચાલક મંડળ તથા શિક્ષકગણે આશિષની સિદ્ધિને સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં અદભુત શક્તિ રહેલી છે, જરૂર છે તો માત્ર યોગ્ય દિશા અને માર્ગદર્શનની.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *